યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ શેરબજારમાં સુનામી આવી છે. સવારે ભારતીય શેરબજાર બજારમાં ઘટાડા સાથે ખુલ્યું હતું. જ્યારે બપોર બાદ બજારમાં ફરી વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આજે કારોબારના અંતે સેન્સેક્સ 2788 પોઈન્ટ ઘટીને 54,445 પર અને નિફ્ટી 842 પોઈન્ટના ઘટાડા સાથે 16,218 પોઈન્ટ પર બંધ થયો હતો.
23 માર્ચ 2020 પછી બજારમાં પોઈન્ટની દ્રષ્ટિએ આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી લગભગ 5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. શેરબજારમાં આવેલી ઘટાડાની સુનામીમાંથી કોઈ સેક્ટર ટકી શક્યું નથી. બેન્કિંગ સેક્ટરથી લઈને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટીના તમામ 50 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના તમામ 30 શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. આજના ઘટાડામાં રોકાણકારોની 9 લાખ કરોડથી વધુની સંપત્તિનો ખાખ થઈ ગઈ. બજાર માટે સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ 10 ટકાના ઘટાડા સાથે રૂ.428 પર બંધ થયો છે.