છેલ્લા એક પખવાડીયાથી સતત તણાવનું કેન્દ્ર બની રહેલા રશિયા-યુક્રેન વિવાદમાં આજે વ્લાદીમીર પુતિને આદેશ આપતા જ રશિયન સૈન્યએ બેલારુસ અને ઉતરીય ક્ષેત્રમાંથી યુક્રેન માર્ગમાં ઘૂસણખોરી કરીને આ દેશમાં તબાહી મચાવવાનું શરુ કર્યુ છે.
એક તરફ રશિયન હવાઈદળના વિમાનોએ યુક્રેનના પાટનગર કિવ અને અન્ય મહત્વના શહેરો પર ભારે બોમ્બવર્ષા કરીને તેના એરફોર્સના હવાઈ મથક સહિતના સંરક્ષણ ક્ષેત્રોના મથકોને ધ્વંશ કર્યા હતા. તો બીજી તરફ રશિયન ટેન્કો પણ યુક્રેનના શહેરો ભણી આગળ વધી રહી છે તો યુક્રેનના અનેક મીલીટરી મથકો પર રશિયન દળોના પેરા ટુપર્સ ઉતારાયા છે અને આ ક્ષેત્રમાં તેઓ કબ્જો લઈ રહ્યા છે.
મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનનાં 40 સૈનિકો જ્યારે યુક્રેને રશિયાના 50 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રશિયાના સૈનિકો યુક્રેનના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયા છે. યુક્રેન-રશિયા વિવાદ મુદ્દે PM મોદીએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA પણ હાજર રહેશે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે NATOએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાંથી તેના તમામ દળોને પરત બોલાવવા કહ્યું છે. NATOએ વધુમાં કહ્યું હતું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. વિશ્વ રશિયાના ઈરાદાઓને જોઈ રહ્યું છે. તે યુક્રેન પર તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
NATOના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે યુક્રેન પર રશિયાના હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે અમે રશિયન આક્રમણ સામે રક્ષણ આપવા માટે અમારા એરફિલ્ડમાં 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ અને ભૂમધ્ય સમુદ્ર સુધીના દરિયામાં 120થી વધુ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર છે.
હાલમાં, NATO યુક્રેન સાથે સંપૂર્ણ તાકાત અને એકજૂટતા સાથે ઊભું છે. NATO સહયોગી અને યુરોપિયન યુનિયન પણ રશિયા પર આકરા પ્રતિબંધો લાદી રહ્યા છે. અમારા બધા સાથીઓ સાથે ઉભા છે. અમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના આવા ઉલ્લંઘનને ક્યારેય સ્વીકારીશું નહીં.