વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે
તા.૧૨મી મે ના રોજ ભરૂચમાં ૧૩ હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ
……………
જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયાઃ
ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરાશે
……………
જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે
ભરૂચના ભોલાવના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે
……………
વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે તા.૧૨મી મે ના રોજ ભરૂચ ખાતે ૧૩ હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે.
જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે ભરૂચ જિલ્લાના ભોલાવના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌપ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી સંવાદ પણ કરવાના છે.
આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, સાંસદ સી. આર. પાટીલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.