ભારતી આશ્રમનો વિવાદ હવે સીબીઆઇને સોપવાની કરાઇ માંગ- બોગસ વિલ બનાવ્યા હોવાનુ છે વિવાદ
ભારતીબાપુના સરખેજ સ્થિત આશ્રમની સત્તાને લઇને ગુરુ-શિષ્ય વચ્ચે વિવાદમાં હરિહરાનંદ ભારતીના શિષ્યે સોમવારે ઝુંકાવ્યું હતું. શિષ્ય યદુનંદ ભારતીજીએ ગુરુભાઇ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે. ઋષિ ભારતીએ પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના 15 દિવસ બાદ તેમના નામનું બોગસ વિલ ઊભું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
ઋષિ ભારતીએ અન્ય વિશ્વેશ્વરી માતાની મદદથી એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી ટ્રસ્ટના નામે આવતા રૂપિયા પોતાના અંગત કામમાં વાપરતા હોવાનો તેમ જ ગુરુ હરિહરાનંદ ભારતીજીને ધમકીઓ આપીને ડરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપો સામે ઋષિભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ અથવા સી.બી.આઇ.ને સોંપવાની માગણી રાજ્યના પોલીસ મહાનિર્દેશક સમક્ષ કરવામાં આવશે અને બેંકમાં ખાતા અંગે ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓએ જ ઠરાવ કરીને મને સત્તા આપી હોવાનું કહ્યું હતું. તેની સાથે સાથે વિલનો ઇસ્યુ સબજયુડિશ હોવાથી કોર્ટના ચુકાદાની રાહ જોવાનું જણાવ્યું હતું. તેમની સામે પોલીસમાં અરજી કરનારા યદુનંદજી સામે ફોજદારી ગુનાઓ નોંધાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ.પૂ. અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામીશ્રી વિશ્વંભારતી ભારતીજી મહારાજના રાજ્યના અમદાવાદ, જૂનાગઢ, બાકરોલ, કેવડિયા ખાતે આવેલા છે. બાપુએ બ્રહ્મલીન થતાં પહેલાં 2019માં તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ ભારતીના નામે વસિયતનામું કર્યું હતું. દરમિયાન વિશ્વંભારતી ભારતીજી મહારાજ 11-4-2021ના રોજ બ્રહ્મલીન થયા હતા. દરમિયાન હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતીએ વિશ્વંભર ભારતીજી મહારાજે તેમને હસ્તલિખિત વિલ કરી આપ્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો હતો, ગઇ તા.30મી એપ્રિલના રોજ હરિહરાનંદ ભારતી ગુમ થયા હતા. થોડા દિવસ બાદ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાના પડઘા સ્વરૂપે અંદરખાને ચાલતો વિવાદ પ્રકાશમાં આવ્યો હતો. આ વિવાદમાં સોમવારે હરિહરાનંદ ભારતીના શિષ્ય અને ઋષિ ભારતીના ગુરુભાઇ યદુનંદ ભારતીજીએ સરખેજ પોલીસ મથકમાં અરજી કરી છે.
યદુનંદ ભારતીજીએ અરજીમાં આક્ષેપ કર્યો છે કે ગુરુ હરિહરાનંદ ભારતીજીના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો વહીવટ કાર્ય સંભાળું છું. અમારા ગૂરુ પ.પૂ. અનંતશ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજે તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ ભારતીજી નિમણૂક કરી હતી, જેથી અમારા ગુરુ બ્રહ્મલીન થયા બાદ ગુરુ હરિહરાનંદ ભારતીજીને ઉત્તરાધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. તેના થોડા સમય પછી સરખેજ ભારતી આશ્રમમાં સેવા કરતા ઋષિ ભારતીજી મહારાજે અમારા ગુરુ હરિહરાનંદ ભારતીજી વિરુદ્ધમાં પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી હતી.
આજથી આશરે 5 મહિના પહેલાં પ.પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજે એક નોટરાઇઝ વિલ રજૂ કર્યું હતું. એમાં પપૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે ઋષિ મહારાજની નિમણૂૂંક કરવા અંગે લખાણ કર્યું છે. એ વિલ યાને વસિયતનામું પ.પૂ. વિશ્વંભર ભારતીજી બાપુના બ્રહ્મલીન થયાના માત્ર 15 દિવસ પહેલાં જ આ ઋષિ મહારાજે ખોટું બનાવી ઊભું કર્યું છે, જેમાં પ. પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજની સહીઓ પણ તેમણે ખોટી કરી છે તેમ જ ઋષિ મહારાજે અન્ય વિશ્વેશ્વરી માતા, જેમનો આશ્રમ અરડોઇ તા. કોટડા સાંગાણી, રાજકોટ ખાતે આવ્યો છે. જેઓ પણ હરિહરાનંદ ભારતીજી બાપુના શિષ્યા હતા. તેમની મદદથી જીવરાજ પાર્ક, વેજલપુર ખાતે એક્સીસ બેંકમાં શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના નામથી ખાતું ખોલાવ્યું છે.
ભારતી આશ્રમ ટ્રસ્ટ નામથી આવતા રૂપિયા એ ખાતામાં નાખીને પોતાના અંગત કામમાં વાપરે છે ઋષિ મહારાજ તેમના મળતિયાઓની મદદથી હાલમાં સરખેજ ભારતી આશ્રમ પર કબજો કરી લીધો છે અને તમામ વહીવટ તેમના હાથમાં લઇ લીધો છે ગુરુ હરિહરાનંદ ભારતીજી બાપુને પણ તે અવારનવાર ધમકી આપી ડરાવે-ધમકાવે છે. આ અરજીની પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે યદુનંદ ભારતીજીએ જણાવ્યું હતું કે અમે પોલીસમાં કરેલી અરજીની સાથે હરિહરાનંદ ભારતીને ઉત્તરાધિકારી બનાવવા માટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજનું અસલ વિલ તથા ડુપ્લિકેટ વિલ તથા એક્સિસ બેંકના દસ્તાવેજો પોલીસને આપ્યા છે. પોલીસે અરજીની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે