ડોલર સામે રૂપિયો કેટલો ગગડશે, હવે પહોચ્યો 77.26 ની નીચલી સપાટીએ
– શેરબજારમાં અફડાતફડી વચ્ચે રૂપિયાની સતત પીછેહટ
– ડોલર ઉંચામાં રૂ.77.54 બોલાયોઃ 7મી માર્ચે રૂ.76.98ની ટોચ દેખાઈ હતી તે સોમવારે વટાવાતાં બેન્કો ડોલર વેચવા નિકળી
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરમાં તેજી વેગથી આગળ વધતાં રૂપિયો ગબડી નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ.૭૭ની સપાટી કુદાવી નવી ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં વ્યાપક અફડાતફડી વચ્ચે પીછેહટ તથા ડોલરમાં વધેલા આઉટ ફલોના પગલે કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ આજે ચાલુ રહ્યું હતું. ડોલરના ભાવ રૂ.૭૬.૯૪ વાળા શનિવારે બંધ બજારે રૂ.૭૭.૦૩થી ૭૭.૦૪ થયા પછી આજે ભાવ આરંભમાં રૂ.૭૭.૧૩ ખુલી નીચામાં ભાવ રૂ.૭૭.૦૯ તથા ઉંચામાં ભાવ રૂ.૭૭.૫૪ થઈ રૂ.૭૭.૪૬ રહ્યા હતા. રૂપિયો આજે વધુ ૫૨ પૈસા તૂટયો હતો. શુક્રવારે રૂપિયો ૬૬ પૈસા ગબડયો હતો.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીએ સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ૦.૨૭ ટકા વધતાં તેની અસર પણ ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૪.૧૯ થઈ ૧૦૩.૯૩ રહ્યાના નિર્દેશો હતા. ઘરઆંગણે રૂપિયામાં આવી મંદી અગાઉ જોવા મળી નથી એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
અમેરિકામાં વ્યાજ દર વધતા તથા બોન્ડ બાઈંગ ઘટતાં વિશ્વ બજારમાં ડોલર ઉછળતો જોવામળ્યો છે. મુંબઈ બજારમાં આ પૂર્વે ડોલરની ટોત રૂ.૭૬.૯૮ની ૭મીમાર્ચે જોવા મળી હતી અને આજે નવી ઉંચી ટોચે ડોલર પહોંચતા રૂપિયો નવા તળિયે જતો રહ્યો હતો.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ડોલર ઉછળતાં ઉછાળે આરબીઆઈની કહેવાતી સૂચનાથી અમુક સરકારી બેન્કો બજારમાં ડોલર વેંચવા નિકળ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. આરબીઆી પાસે ૬૦૦ અબજ ડોલરથી વધુનો ફોરેક્સ રિઝર્વન ઊભો થયો છે. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ ૪૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૫.૪૨ થઈ રૂ.૯૫.૪૧ રહ્યા હતા. યુરોપની કરન્સી યુરોના ભાવ આજે ૨૪ પૈસા વધી ઉંચામાં રૂ.૮૧.૫૮ થઈ રૂ.૮૧.૫૬ રહ્યા હતા.
જાપાનની કરન્સી યેનના ભાવ રૂપિયા સામે ૦.૦૮ ટકા વધ્યા હતા જ્યારે ચીનની કરન્સી ૦.૨૦ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહી હતી, એવું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું.