રાજ્યભરના ડોક્ટર્સ કેમ બન્યા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના મહેમાન- આ રહ્યુ કારણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ-સરળ અને સહજ નિખાલસ વ્યક્તિત્વનો વધુ એક પરિચય રવિવારે રાજ્યભરના જિલ્લાઓના તબીબો, ડોક્ટર્સને પણ થયો
કોરોના મહામારીમાં લોકો માટે દેવદુત બનીને અને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર તબીબી જગતના ડોકટર્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ગાંધીનગર નિવાસ સ્થાને આમંત્રીત કરી તબીબોનો રૂણ સ્વીકાર કર્યો હતો
મુખ્યમંત્રી દેવગઢ બારિયા થી દિયોદર એમ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા 3 હજારથી વધુ ડોક્ટર્સની સમગ્ર સમાજને સ્વસ્થ રાખવાની અમૂલ્ય સેવાઓને બિરદાવી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના ૩૫ જેટલા વરિષ્ઠ- સિનીયર ડોક્ટર્સ, જેઓ વિવિધ પદ પર સેવાઓ આપીને નિવૃત થયેલા છે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
રાજ્યભરમાંથી ઉમટેલા આ ડોક્ટર્સ મિત્રોએ પોતપોતાના વિસ્તારોની પ્રખ્યાત હસ્ત કલાકારીગીરી, ચીજવસ્તુઓ, તૈલચિત્રો, ફોટોફ્રેમ અને અન્ય સ્મૃતિ ચિન્હો મુખ્યમંત્રીશ્રીને ભાવપૂર્વક અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તબીબો સાથે સહજ સંવાદ સાધતાં કહ્યું હતુ કે, સામાન્યમાં સામાન્ય માનવી, છેવાડાના ગરીબને આરોગ્ય સેવા સહિતની સેવાઓ સરળતા અને કોઈ તકલીફ વિના મળે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે
તેમણે વડાપ્રધાનતના વૈશ્વિક વિકાસનો જે પથ કંડાર્યો છે તેને પગલે બાળકોનું શિક્ષણ, આરોગ્ય સેવા, ટેક્નોલોજીયુક્ત સેવા, સુવિધા એમ દરેક ક્ષેત્રે ગુજરાતમાં વર્લ્ડક્લાસ સુવિધા મળે છે તેમ જણાવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રત્યક્ષ મળવા, તેમની પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાં રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં તબીબો પોતાના વાહનો, ખાનગી વાહનો દ્વારા મંત્રીમંડળ નિવાસ સંકુલમાં પહોચ્યાં હતાં.
ગુજરાત મેડિકલ સર્કલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડૉ. ધનેસ પટેલ, ડૉ. મૂકેશ પટેલ, ડો. અનિલ નાયક, ડો. તૂષાર પટેલ અને તેમની સહયોગી ટીમે સક્રિયતાથી આ આયોજન પાર પાડ્યું હતું