રાજસ્થાને આઇપીએલની પહેલી સિઝનમાં પંજાબને હરાવ્યા
– ચહલની ૨૮ રનમાં ૩ વિકેટ : જયસ્વાલના ૪૧ બોલમાં ૬૮
– ૧૯૦ના ટાર્ગેટને રાજસ્થાને ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર પાડયો
રાજસ્થાને આઇપીએલ -૨૦૨૨માં સૌપ્રથમ વખત ટાર્ગેટને સફળતાપૂર્વક પાર પાડતાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં બે બોલ બાકી હતા, ત્યારે છ વિકેટથી જીત હાંસલ કરી હતી. યઝવેન્દ્ર ચહલે માત્ર ૨૮ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં પંજાબ પાંચ વિકેટે ૧૮૯ રન સુધી પહોંચી શક્યું હતુ. જવાબમાં જયસ્વાલના ૪૧ બોલમાં ૬૮ની મદદથી રાજસ્થાને ૧૯.૨ ઓવરમાં ચાર વિકેટેે ૧૯૦ રન કરીને મેચ જીતી લીધી હતી.
સેમસનની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાનની ટીમે ૧૧મી મેચમાં સાતમો વિજય મેળવતા પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મજબુત કર્યું હતુ. જ્યારે પંજાબનો ૧૧મી મેચમાં આ છઠ્ઠો પરાજય હતો. જેના કારણે તેમની પ્લે ઓફની રાહ મુશ્કેલ બની છે. રાજસ્થાને બીજી ઓક્ટોબર, ૨૦૨૧ પછી પહેલી વખત સફળતાપૂર્વક રનચેઝ કર્યા હતા. રાજસ્થાનના અગાઉના છ વિજય પ્રથમ બેટીંગ કરતાં નોંધાયા હતા.
જીતવા માટેના ૧૯૦ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા રાજસ્થાન તરફથી ઓપનર જયસ્વાલે ૪૧ બોલમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૮ રન ફટકાર્યા હતા. તેણે બટલર (૩૦) સાથે ૨૪ બોલમાં ૪૬, સેમસન (૨૩) સાથે ૩૯ અને પડિક્કલ (૩૧) સાથે ૩૭ બોલમાં ૫૬ રન જોડયા હતા.
પડિક્કલ અને હેતમાયર (૧૬ બોલમાં ૩૧*)ની જોડીએ ૨૭ બોલમાં ૪૧ રન ફટકારતાં ટીમને જીતને આરે પહોંચાડી હતી. અર્ષદીપે ૨૯ રનમા બે વિકેટ ઝડપી હતી.
અગાઉ ટોસ જીતીને બેટીંગ કરતાં પંજાબ તરફથી ઓપનર બેરસ્ટોએ ૪૦ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા. જ્યારે જીતેશ શર્માએ ૧૮ બોલમાં અણનમ ૩૮ રન કર્યા હતા. લિવિંગસ્ટનના ૧૪ બોલમાં ૨૨ રન હતા. ચહલે ત્રણ અને પી.ક્રિશ્ના અને અશ્વિને ૧-૧ વિકેટ ઝડપી હતી.