મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે AMTSના નવીન રૂટ અમદાવાથી થોળની બસસેવાનો શુભારંભ કડી તાલુકાના થોળ ગામથી કરાયો
—————
પૂર્વ નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
————-
• ગુજરાત એટલે વિકાસનું ગ્રોથ એન્જિન:મુખ્યમંત્રી
થોળ ગામના ઐતિહાસિક તળાવનો ધ્યાનાકર્ષિત વિકાસ કરવામાં આવશે. તેમ જ થોળ ગામની ડ્રેનેજને અપડેટ કરવામાં આવશે અને આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે
તેવું થોળ ખાતેથી અમદાવાદથી થોળ એ.એમ.ટી.એસ.(અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસસેવાનો આરંભ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું
તેમણે ઉમેર્યું હતું કે, સરકારની દરેક યોજનાઓનો લાભ આપવા માટે આ સરકાર કટિબદ્ધ છે અને આ સરકારે જનસુખાકારીનાં કામોને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે
ગુજરાત એટલે વિકાસનું ગ્રોથ એન્જિન તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ગ્રોથ એન્જિન ત્યારે બન્યું હોય જ્યારે નાનામાં નાના માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિકાસના કામો કર્યોં હોય
. આ બસ સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે તેમ તેમણે ક્હ્યું હતું
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે થોળ ગામ તેના ગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટનસ્થળ તરીકે લોકપ્રિય બની ગયું છે. થોળ ગામના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો રહેલો છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે આ બસસેવા શરૂ થવાની સાથે જ થોળ ગામ સહિત આસપાસના ગ્રામજનોને અમદાવાદ જવામાં ખૂબ જ સરળતા રહેશે. થોળ ગામ અને અમદાવાદ વચ્ચે વિકાસના કારણે અંતર પણ દિવસે દિવસે ઘટી ગયું છે. આગામી સમયમાં થોળ મિનિ અમદાવાદ બની જશે એવું પણ તેમણે ઉમેર્યું હતું
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે થોળ તળાવ પક્ષી અભયારણ્ય માટે જાણીતું છું. આ પક્ષી અભયારણ્યનો લાભ પક્ષીવિદો-પક્ષીપ્રેમીઓ સાથે પ્રવાસીઓ પણ મેળવી રહ્યા છે. થોળના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે આ ગામના વિકાસમાં સરદાર પટેલ સાહેબનો ફાળો છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ આપેલા સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરી સરકાર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં સરકાર કટિબધ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ ૦૫ AMTS બસ સેવામા કાર્યરત કરવામાં આવી છે. આ ૩૦ કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને ૩૫થી ૪૦ મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ ૦૩ રૂપિયા અને મહત્તમ ૨૦ રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા અગત્યનાં સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સુધી AMTS બસ સુવિધા સરકારે ઉપલબ્ધ બનાવી છે.
AMTS બસ સુવિધા દ્વારા આવરી લેવાતા ડભોડા હનુમાન મંદિર, અડાલજ ત્રિમંદિર, લાંભા ગામ જેવા મહત્વના સ્થળોની યાદીમાં થોળ ગામનું નામ પણ હવે ઉમેરાયું છે. AMTS દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ૮૦ લાખની વસ્તીને સિટી બસ સેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
AMTS અને BRTS બંને મળીને ૯૫૦ જેટલી બસો દ્વારા નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડવામા આવે છે.
AMTS દ્વારા કુલ ૧૩૪ રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દરરોજ આશરે ૩.૪૭ લાખ પ્રવાસીઓ સેવાઓનો લાભ મેળવે છે.
માત્ર એટલું જ નહીં BRTSની કુલ ૩૭૦ બસ પૈકી ૨૦૦ જેટલી ઇલેક્ટ્રીક બસનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે.
ડીજીટલ ઇન્ડિયાની મુહીમમાં જોડાઇને અમદાવાદ મહાનગરપાલિકાએ AMTS અને BRTS બંનેના પ્રવાસીઓ માટે ક્યુ.આર. કોડ વાળી ડિજીટલ ટિકિટની સુવિધા પણ શરૂ કરી છે, જેનાથી પ્રવાસીઓને ટિકિટની બારી પર લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (A.M.T.S)ના નવીન રૂટ નંબર 51થી રાંચરડા ગામથી આગળ થોળ ગામના સરદાર ચોક સુધી લંબાવવામાં આવ્યો છે. રૂટ નંબર 51 હવેથી લાલ દરવજા ટર્મિનસથી નહેરૂ બ્રિજ, નટરાજ સિનેમા, નવંરગપુરા કોમર્સ કોલેજ, ગુરૂકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાંચરડા ગામ, ડાભલા ચોકડી, અઢાણા ગામ, સધી માતાનું મંદિર, ચંદનપુરા ચોકડી થઈ થોળ ગામના સરદાર ચોક જશે.
આ પ્રસંગે ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, અમદાવાદના મેયર કિરીટભાઇ પરમાર, એ.એમ.ટી.એસના ચેરમેન વલ્લભભાઇ પટેલ, નાયબ મેયર ગીતાબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, થોળ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, મહેસાણા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, ગામના સામાજિક રાજકીય અગ્રણીઓ, કડીના પ્રાન્ત અધિકારી શ્રી દવે સહિતના અધિકારીઓ, અમદાવાદ મહાનગરપાલિકાઓની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, અગ્રણીઓ, ગ્રામજનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.