અમિષા પટેલની વધી મુશ્કેલી- અઢી કરોડના છેતરપિંડીનો કેસ
ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વધુ એક કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. ફિલ્મ બનાવવા માટે અઢી કરોડ રૂપિયા લીધા બાદ તે પરત કરવા અપાયેલો ચેક બાઉન્સ થવાનો કેસ અમીષા સામે ઝારખંડમાં નોંધાયો હતો. અમીષા એ આ કેસ રદ કરવા માટે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, હાઈકોર્ટે અમીષાની અરજી ફગાવી દીધી છે.
રાંચીના અજય કુમાર સિંહે દેશી મેજીક ફિલ્મ બનાવવા માટે અમીષાને અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ, આ ફિલ્મ ક્યારેય બની ન હતી. આથી અજય કુમારે પોતાના પૈસા પાછા માગતાં અમીષાએ તેમને ચેક આપ્યો હતો. પરંતુ, આ ચેક બાઉન્સ થયો હતો.
આ અંગે અજય કુમારે કેસ દાખલ કરતાં નીચલી અદાલતે અમીષા સામે સમન્સ ઇશ્યૂ કર્યા હતા. અમીષાએ આ અદાલતી કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી હતી.
જોકે , ઝારખંડ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. કે. દ્વિવેદીની બેન્ચે તમામ પક્ષોને સાંભળ્યા બાદ અમીષાને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દેતાં અભિનેત્રીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.
હજુ થોડા દિવસો પહેલાં જ મનીષા સામે મધ્યપ્રદેશમાં પણ ચિટીંગની ફરિયાદ દાખલ થઈ હતી. એ ફરિયાદમાં જણાવાયું હતું કે અમીષાએ ઇવેન્ટમાં એક કલાક હાજર રહેવાના પૂરા પૈસા લીધા હતા પરંતુ બાદમાં તે માત્ર ત્રણ જ મિનીટ માટે હાજર રહી હતી.