નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી
માણસ માટે સૌથી મોટુ સુખ એટલે આનંદ…!! આપણે કોઈપણ કાર્ય માત્રને માત્ર આનંદ માટે જ કરીએ છીએ. મઝા, ખુશી, પ્રસન્નતા, હર્ષ અને અલ્હાદ એટલે આનંદ. જેવી રીતે મને લખવાની મજા આવતી હોય તો કો’કને
વાંચવાનો આનંદ આવે. કો’કને અવનવી વાનગી ખાવામાં પ્રસન્નતા થતી હોય તો કો’કને ખવડાવવામાં આનંદ આવે.
કોકને ભણવામાં મજા આવતી હોય તો કોકને ભણાવવામાં આનંદ આવે. કો’કને ફિલ્મ જોવામાં હર્ષ આવતો હોય તો કો’કને ફિલ્મ બનાવવામાં આનંદ આવે. આજના જમાનાની વાત કરીએ તો મોબાઈલ પર વીડિયો જોવામાં
કો’કને મજા આવતી હોય તો કો’કને વીડિયો બનાવવામાં આનંદ આવે.
આમ, બધા જ કર્મની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો આનંદ જ છે. જીવનની વાસ્તવિકતા એ છે કે, પ્રત્યેક વ્યક્તિ આખી જિંદગી માત્ર આનંદની તલાશમાં જ ભટકતો રહે છે.
મેં હમણા વાંચ્યુ કે, આનંદના પાંચ પ્રકાર હોય. આત્માનંદ,
બ્રમ્હાનંદ, વિષયાનંદ, વિદ્યાનંદ અને યોગાનંદ.
આજે મને આનંદ, પ્રસન્નતા અને હર્ષ વિષે લખવાનો વિચાર એટલે આવ્યો કારણ કે, આજે એક એવા યુવાન સાથે વાત થઈ જેને નિઃસ્વાર્થ સેવામાં આનંદ આવે છે.
એના માટે આનંદની પરિભાષા એટલે કોઈપણ સ્વાર્થ વિનાની
નિર્દોષ, અને નિશૂલ્ક સેવા…!! સામાન્ય રીતે સેવાનું મથાળુ વાગે એટલે કોઈ ધાર્મિક કે, સામાજિક સંસ્થાનો વિચાર આવી જાય. પણ આજની મારી વાત એક વ્યક્તિ વિશેષની છે જેણે નિર્દોષ આનંદ મેળવવા માટે સેવાની અનોખી
કેડી કંડારી છે. અને આવા જવલ્લે જ જોવા મળતા રિયલ હિરોનું નામ છે વિષ્ણુ પટેલ.
ભરુચના ઉચેડિયા નામના ખોબલા જેવડા ગામમાં રહેતા વિષ્ણુની ઉંમર માત્ર 30 વર્ષ છે. અને તે ગામની ભાગોળે બજરંગ કોલ્ડ ડ્રીંક્સ નામની ચા-નાસ્તાની કેબિન ચલાવે છે. બિલકુલ સાધારણ પરિવારનો તદ્દન સામાન્ય છોકરો
વિષ્ણુ આજે એટલા માટે નોંધનીય છે કારણ કે, એણે પોતાની ક્ષુલ્લક આવકમાંથી પણ સેવાનો ધૂણી ધખાવી છે.
વાત એવી છે કે, વિષ્ણુની દુકાન નર્મદા પરિક્રમાવાસીઓના રુટ પર આવે છે. એની દુકાન પાસેથી રોજ સેંકડો
પરિક્રમાવાસીઓ પસાર થતા હોય છે.
લાંબી પદયાત્રા કરતા-કરતા કોક થાકે તો પોરો ખાવા માટે વિષ્ણુની દુકાન પાસે થોડો સમય રોકાઈ જાય. પરિક્રમાવાસી એને ત્યાં રોકાય એટલે જાણે કોઈ મોંઘેરા મે’માન આવ્યા હોય એમ વિષ્ણુ એમને ભાવથી ચા-પાણી
પિવડાવે અને નાસ્તો પણ આપે.
શરુઆતમાં પરિક્રમાવાસીઓની સેવા કરવામાં એને ખૂબ આનંદ આવતો. વિષ્ણુ પોતે ઝાઝુ ભણ્યો નથી પણ એને એટલી ખબર પડે કે, નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરવાથી આનંદ મળે. હવે,
જે દિવસે એને ત્યાં કોઈ પરિક્રમાવાસી ના આવે તે દિવસે એને સેવાનો નિજાનંદ ના મળે. એટલે સ્વાભાવિક છે કે, એ વ્યાકુળ થઈને સેવા માટે પરિક્રમાવાસીની તલાશ શરુ કરે. આસપાસના આશ્રમોમાં આંટો મારી આવે. કો’કને
ફોન કરીને પુછે કે, ભ’ઈ આજે કોઈ પરિક્રમાવાસી કેમ દેખાતા નથી ? અને આવા સમયે કોઈ પરિક્રમાવાસી રસ્તા પરથી પસાર થતા દેખાય તો દોડીને એમની પાસે જાય અને ભાવપૂર્વક દુકાન સુધી લઈ આવે. ત્યારપછી એમને
ચા-નાસ્તો કરાવીને વિદાય કરે.
કહેવાય છે કે, અમુક દિવસો સુધી તમે કોઈ કાર્ય નિયમીત કરો તો તમને એની ટેવ પડી જાય. બસ, એવી જ હેબિટ હવે વિષ્ણુને પડી ગઈ છે. એને ટેવ છે, પરિક્રમાવાસીઓની સેવાની…!!
હાલમાં વિષ્ણુએ પોતાની દુકાનની બહાર સેવાનો એક મંડપ બાંધ્યો છે. મંડપની અંદર નર્મદાજીની તસવીર પણ સ્થાપિત કરી છે. આ મંડપની નીચે પરિક્રમાવાસીઓની સેવા થાય છે એવુ બોર્ડ પણ લગાવ્યુ છે. સવારથી જ એનો
સેવાયજ્ઞ શરુ થઈ જાય છે. રસ્તા પરથી પસાર થતા પરિક્રમાવાસીઓને એ નર્મદે હર…કહીને મંડપમાં આવકાર આપે છે. ત્યારપછી એમને ચા, કોફિ, ઉકાળો, શરબત કે, પછી ઠંડુપાણી પિવડાવે છે અને સાથે નાસ્તો પણ આપે છે.
પરિક્રમાવાસીઓની ક્ષુધા શાંત કરવામાં એને અનેરો આનંદ આવે છે. અને સેવાનો નિર્દોષ આનંદ માણવો એનો નિત્યક્રમ બની ચુક્યો છે.
પોસ્ટલ સર્વિસના ભોગે ખાનગી કુરીયર સેવાઓને પ્રોત્સાહન આપતી સરકાર-કોંગ્રેસનો આરોપ
વિષ્ણુ કહે છે કે, ભરુચના ઉચેડિયા ગામે ગુમાનદેવ આશ્રમની સામે બજરંગ કોલ્ડ ડ્રીંક્સ નામની મારી દુકાન છે. દુકાનની બહાર મેં પરિક્રમાવાસીઓના વિસામા માટે મંડપ બાંધ્યો છે. છેલ્લા બે વર્ષથી હું પરિક્રમાવાસીઓની સેવા
કરું છું. મારી પાસે એટલા પૈસા નથી અને હું કોઈની પાસે નાણાકિય મદદ લેતો પણ નથી. તેમ છતાંય અહીં સેવાનો યજ્ઞ અવિરત ચાલ્યા કરે છે. આખી વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ? એની મને ખબર નથી. પણ એટલુ ચોક્કસ છે કે,
છેલ્લા બે વર્ષમાં મારે ત્યાં આવેલા એકપણ પરિક્રમાવાસી ચા-નાસ્તો કર્યા વિના ગયા નથી.
એક વખત એક પરિક્રમાવાસીએ મને કહેલુ કે, વિષ્ણુ સેવા ક્યારેય બંધ કરતો નહીં. સેવાના કાર્યમાં નર્મદામૈયા તારી હંમેશા મદદ કરશે.
પરિક્રમાવાસીની આ વાત મેં ગળે ઉતારી લીધી છે અને સેવા પરમો ધરમનું સૂત્ર મેં મારા જીવનમાં ઉતારી લીધું છે. મારી ઉંમરના છોકરાઓની જેમ મને ફિલ્મો જોવાનો શોખ નથી. હું ફરવા માટે કોઈ પર્યટન સ્થળે જતો નથી. મારા
માટે તો સાચો આનંદ એટલે પરિક્રમાવાસીઓની સેવા.
બે વર્ષ પહેલા મેં મારી દુકાન પાસે ચા-નાસ્તાના વિતરણથી સેવાનું બીજ રોપ્યુ હતુ. જે આજે પરિક્રમાવાસીના વિસામા માટેના મંડપ તરીકે વટવૃક્ષ બનીને અડિખમ ઉભું છે.
પદયાત્રીઓની નિર્દોષ સેવાનો નિજાનંદ મેળવવા હું સવારથી જ કામે લાગુ છુ. મારુ મન જાણે સેવાનું બંધાણી બની ચુક્યુ છે.
જે દિવસે મારે ત્યાં કોઈ પરિક્રમાવાસી ના આવે તે દિવસે મને કચવાટ અનુભવાય છે. જાણે સોનાનો દાગીનો ખોવાઈ જવાથી એક સ્ત્રીની જે મનોદશા થતી હોય એવી જ અવસ્થા મારી પણ થાય છે. હું બેબાકળો બનીને
પરિક્રમાવાસીને શોધી લાવું છે અને ભાવથી એમની સેવા કરું છું ત્યારપછી જ મને સંતોષ થાય છે.
વિષ્ણુ પટેલની સેવા વિષે વાત કરતા મુંબઈના જાણીતા હિપ્નોથેરાપિસ્ટ ડો. મહેન્દ્ર મહેતા કહે છે કે, ગયાવર્ષે હું નર્મદાજીની
પરિક્રમાએ નીકળેલો ત્યારે રસ્તામાં ભરુચના ઉચેડિયા ગામે વિષ્ણુભાઈની સેવાનો લાભ મને મળેલો. માત્ર 30 વર્ષની યુવાવયે એકલા હાથે સેવાયજ્ઞ ચલાવતા વિષ્ણુની વિનમ્રતા અને પરગજુ સ્વભાવથી હું ખૂબ પ્રભાવિત થયેલો.
વિષ્ણુના આગ્રહને વશ થઈને હું એમને ત્યાં બે દિવસ રોકાયેલો. બાય પ્રોફેશન હું એક હિપ્નોથેરાપિસ્ટ છું.
વર્ષોના અનુભવ પછી હુ કોઈ પણ વ્યક્તિના મનને આસાનીથી વાંચી શકું એટલી શક્તિ મારામાં છે. પણ વિષ્ણુના કિસ્સામા મારો અનુભવ કંઈક અલગ જ હતો. ત્રીસેક વર્ષના આજના યુવાન પાસે તમે સેવાની શું અપેક્ષા રાખી
શકો ?
સાચુ કહું તો 65 વર્ષના જીવનકાળ દરમિયાન મેં વિષ્ણુ જેવો કોઈ સેવાભાવી યુવાન ક્યારેય જોયો નથી. બે દિવસ સુધી મેં તેના ઘરે જ ભોજન લીધેલું. આશ્ચર્ય તો એ વાતનું હતુ કે, માત્ર વિષ્ણુ જ નહીં પણ એની માતા અને
નાનોભાઈ પણ એટલા જ સેવાભાવી હતા. પહેલી વખત જ્યારે એમને ત્યાં ગયો ત્યારે ઘરની સ્થિતિ જોઈને હું સ્તબ્ધ થઈ ગયેલો. ઘરના નામે ચાર અડધી ચણેલી કાચી દિવાલો હતી. માથે છતના નામે તાડપત્રી ઢાંકેલી હતી. કાચૂ
અને લીંપણ વાળુ જર્જરિત ઝૂંપડુ જ કહી શકાય એવી સ્થિતિ હતી.
દંગ રહી જવાય એવી બાબત તો એ હતી કે, કારમી ગરીબાઈ વચ્ચે સેવાનું કમળ ખીલેલુ હતુ. એક તરફ જર્જરિત મકાન અને બીજી તરફ વિષ્ણુનો સેવાભાવ
હચમચાવી મુકે તેવો હતો. હું બે દિવસ વિષ્ણુને ત્યાં રોકાયેલો પણ એણે મારી પાસે પરિક્રમાવાસીની સેવા માટે એકપણ રુપિયો માંગ્યો ન હતો. એના મન તો માંગવુ એ મરવા બરાબર જ હતું. એને ત્યાં રોજના ઘણા
પરિક્રમાવાસીઓ આવતા હતા અને એ બધાને ચા-નાસ્તો કરાવતો હતો. મને લાગે છે કે, પરિક્રમાવાસીઓની નિઃસ્વાર્થ સેવાને લીધે જ નર્મદા મૈયા સ્વયં એની મદદ કરતા હશે.
પંચાત ટીવી માટે અમારા વિશેષ પ્રતિનિધીએ સ્ટોરી કરી છેસંપર્ક 9909941647-674