રાજ્યના નગરો-મહાનગરોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમિનીટીઝના કોઇ કામ નાણાંના અભાવે અટકવા નહિ દેવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકાઓ, સત્તામંડળોને સર્વાંગી વિકાસના કામો માટે કુલ ૧૧૮૪ કરોડ રૂપિયાના ચેક અર્પણ નો ગૌરવશાળી સમારોહ સપંન્ન
મુખ્યમંત્રી
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસ કામો અટકયાં નથી
નાનામાં નાના-છેવાડાના માનવીની સુવિધા-સુખાકારીના કામોને અગ્રતા આપીએ છીયે
રાજ્યના વિકાસને જનહિત કામોથી વધુ ઊંચાઇએ લઇ જવા આહવાન
સર્વાંગી વિકાસ કામો માટે ફાળવાયેલી રાશિ
મહાનગરપાલિકાઓ
અમદાવાદ – રૂ. ૩પ૪.૮પ કરોડ
સુરત રૂ. ર૮૯.૬૬ કરોડ
વડોદરા રૂ. ૧૦૮.૬૧ કરોડ, રાજકોટ – રૂ. ૮૬.૯૦ કરોડ, ભાવનગર રૂ. ૪૦.૧૧ કરોડ, જામનગર – રૂ. ૩૮.૦૧ કરોડ, જૂનાગઢ – રૂ. ૧૯.૯ર કરોડ, ગાંધીનગર રૂ. ર૦.૪૪ કરોડ
શહેરી વિકાસ સત્તામંડળો – રૂ. ૩૬ કરોડ
નગરપાલિકાઓ
અ – વર્ગની રર નગરપાલિકા રૂ. પપ કરોડ
બ – વર્ગની ૩૦ નગરપાલિકા રૂ. ૪પ કરોડ
ક – વર્ગની ૬૦ નગરપાલિકા રૂ. ૬૭.પ૦ કરોડ
ડ – વર્ગની ૪૪ નગરપાલિકા રૂ. રર કરોડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાત-બેઝિક એમીનીટીઝની સુવિધાના કોઇ કામ નાણાંના અભાવે અટકશે નહિં તેવી સ્પષ્ટ નેમ દર્શાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસ કામો અટકયાં નથી અને નાનામાં નાના માનવીની જરૂરિયાતોનો વિચાર કરીને તેમણે ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશન વગેરે માટે નાણાંની કોઇ કમી આવવા દીધી નથી
મુખ્યમંત્રી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત નગરો-મહાનગરો તથા શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસ કામો માટેના કુલ ૧૧૮૪ કરોડ રૂપિયાના વિવિધ ચેક વિતરણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા
આ સમારોહમાં રાજ્યની ૮ મહનગરપાલિકાઓને સમગ્રતયા રૂ. ૯પ૮.પ૦ કરોડ, અ-વર્ગની રર નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ર.પ૦ કરોડ પ્રમાણે કુલ રૂ. પપ કરોડ, બ-વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧.પ૦ કરોડ પ્રમાણે કુલ રૂ. ૪પ કરોડ તથા ક-વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ ૧ર લાખ પ્રમાણે રૂ. ૬૭.પ૦ કરોડ તેમજ ડ-વર્ગની ૪૪ નગરપાલિકાઓને દરેકને રૂ. પ૦ લાખ લેખે રૂ. રર કરોડ એમ કુલ ૧૮૯.પ૦ કરોડ રૂપિયાના ચેક વિવિધ વિકાસ કામો માટે અપર્ણ કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ રાજ્ય સરકારના દંડક પંકજ દેસાઇ અને મહાનગરોના મેયર, ઉપ મેયર, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો વગેરે આ સમારોહમાં જોડાયા હતા.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન દેશના છેવાડાના માનવી, ગરીબ અંત્યોદયના સર્વગ્રાહી વિકાસ માટે દિવસ-રાત પરિશ્રમ રત છે તેમાંથી પ્રેરણા લઇ રાજ્યના વિકાસને જનહિત કાર્યોથી વધુ ઊંચાઇએ લઇ જવા પણ આ તકે આહવાન કર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, વિકાસ કામો માટેનું ભંડોળ શહેરી સત્તાતંત્રના બેંક ખાતામાં ડી.બી.ટી થી જ સીધું જમા થવાનું છે. વડાપ્રધાનશ્રીએ આ પારદર્શી અને ઝડપી કાર્યપ્રણાલિ વિકસાવી છે અને પરિણામે વિકાસ કામોમાં વધુ ગતિ, ગુણવત્તા આવી છે.
મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર તથા અધિકારીઓ વચ્ચે સંકલન જાળવીને નાગરિકોને શ્રેષ્ઠત્તમ સુખાકારી-સુવિધા આપતા કામોમાં ગતિ આવે તે જોવા પણ અનુરોધ કર્યો હતો.
શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯થી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વીજળી, આરોગ્ય અને સ્વચ્છતા માટે વિકાસ ગ્રાન્ટ આપવાની નવી કેડી કંડારી છે.
જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યો માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂા.૧૧૮૪ કરોડની માતબર રકમ નગરો, મહાનગરોને અપાઇ છે.
છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, વિકાસની રાહમાં કોઇ પાછળ રહી ન જાય તે માટે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો સત્વરે મંજૂર કરવાની પણ ખાસ સુચના આપી છે તેમ જણાવી મંત્રી મોરડીયાએ મુખ્યમંત્રીનો આ પ્રસંગે આભાર માન્યો હતો.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૯થી શહેરી વિકાસ વિભાગ હેઠળ વિકાસ કામો માટે રૂ.૨૨ હજાર કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૨૨૪૨ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂા.૩૦૮૩ કરોડ અને ચાલુ વર્ષના બજેટમાં શહેરોના વિકાસ માટે રૂા.૩૮૦૫ કરોડની માતબર રકમ ફાળવી છે.
તેમણે કહ્યું હતું કે શહેરોમાં અત્યાર સુધીમાં કુલ ૫.૬૦ લાખ ઘરોમાં વ્યક્તિગત શૌચાલય, કુલ ૧૩૭૪ પૈકી ૧૨૫૦ વોર્ડમાં ઘન કચરાનો નિકાલ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮. ૬૧ લાખ મંજૂર કરેલા આવાસોમાં થી ૫.૮૮ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરી બસ પરિવહન યોજના હેઠળ બસોની ૫૦ ટકા સબસીડી, ઇ-નગર પોર્ટલ હેઠળ ૧૧ સુવિધા ઓનલાઈન કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોના વિકાસ માટે આ વર્ષે ૧૦૦ ટી.પી. ના લક્ષાંક સામે અત્યાર સુધીમાં ૩૬ને મંજૂરી આપી દેવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનરશ્રી રાજકુમાર બેનીવાલે આભાર વિધિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને રૂ.૩૫૪.૮૫ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ.૨૮૯.૬૬ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ.૧૦૮.૬૧ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૮૬.૯૦ કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ.૪૦.૧૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૮.૦૧ કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ.૧૯.૯૨ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.૨૦.૪૪ કરોડ જ્યારે ૮ સત્તામંડળો માટે રૂા.૩૬ કરોડના ચેક ફળવાયા હતા.
આ ચેક અર્પણ સમારોહ પ્રસંગે વિવિધ મહાનગરપાલિકાના મેયર ઉપમેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનો, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે. પી. ગુપ્તા, હાઉસિંગ વિભાગના સચિવ રાકેશ શંકર, મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાઓના અને નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.