વેકેશનમાં બચ્ચાપાર્ટી માટે વિશ્નનો સૌથી મોટો ઑનલાઇન સમરકેમ્પ, જેમાં શીખવા મળશે “જાદુ”
ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા 11થી 15 મે દરમિયાન યોજાશે સમરકેમ્પ “કલામૃતમ્“
પાંચ દિવસીય કેમ્પમાં 10 લાખ બાળકો જોડવા આયોજન
ગાંધીનગરઃ
વેકેશન એટલે બાળકો માટે ફનટાઈમ. બચ્ચાપાર્ટી માટે બહાર રમવાનો, ધમાલમસ્તીનો, કંઈક નવું શીખવાનો ટાઈમ. પણ ઉનાળાની આકરી ગરમી, હીટવેવ અને કોરોનાના વધતા કેસોના લીધે બાળકોને બહાર કેમ મોકલવા તેની વાલીઓમાં ચિંતા છે, ત્યારે ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકો માટે વિશ્વનો સૌથી મોટો ઑનલાઇન સમરકેમ્પ લઈને આવી છે. જેમાં બાળકો ઘરે બેસીને જ પપેટ, જાદુ સહિત અનેક વસ્તુઓ શીખવા સાથે વેકેશનને ફુલ્લી એન્જોય કરી શકશે.
વિશ્વની અનોખી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકોના સર્વાંગીણ વિકાસ (holistic development) માટે કામ કરે છે. તેના દ્વારા 11થી 15 મે દરમિયાન “કલામૃતમ્” ઑનલાઇન સમરકેમ્પ યોજાશે. જેમાં બાળકોને સંગીતથી લઈને પપેટ અને જાદુના ખેલ પણ શીખવા મળશે. આ કેમ્પમાં 10 લાખથી વધુ બાળકોને જોડવામાં આવશે.
‘ઉનાળામાં ગરમી વચ્ચે પણ બાળકો પોતાનું વેકેશન મજાથી માણી શકે અને રમતાં-રમતાં કંઈક નવું શીખી શકે’ તેવી પ્રેરણા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આપી હતી. તેના પગલે વિદ્યાનિકેતન વિભાગે આ સમરકેમ્પનું આયોજન કર્યું છે. આ પાંચ દિવસીય સમરકેમ્પમાં બાળકોને રૂપિયા બે લાખ સુધીના ઇનામો જીતવાની તક મળશે. આ સમરકેમ્પ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઑનલાઇન સમરકેમ્પમાં ભાગ લેવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઈટ https://www.cugujarat.ac.in પર જઈને નામ નોંધાવી શકાશે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ અને સ્કૂલ ઑફ ચાઈલ્ડ, યૂથ અને ફેમિલી ડેવલપમેન્ટના માનનીય ડાઈરેક્ટર ડૉ. રાકેશ પટેલના નિર્દેશનમાં આ કેમ્પ યોજાઈ રહ્યો છે. વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલ જણાવે છે કે, ગયા વર્ષે પણ ઑનલાઇન સમરકેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સાડા ત્રણ લાખથી વધુ બાળકોએ ઑનલાઇન ભાગ લીધો હતો અને બધા બાળકોએ ખૂબ મજા કરી હતી. આ વર્ષે પણ આકરી ગરમી વચ્ચે બાળકો મજા સાથે વેકેશન એન્જોય કરી શકે, ફન સાથે કંઇક શીખી શકે તે હેતુથી ઑનલાઇન સમરકેમ્પનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, 11મી મેથી 15મી મે સુધી પાંચ દિવસ આ સમરકેમ્પ યોજાશે. જેમાં રોજ સાંજે 4થી 5.30 દરમિયાન અલગ-અલગ એક્ટિવિટી થશે. આ કેમ્પમાં 10 લાખ બાળકોને જોડવાનો અમારો લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું કે, સમર કેમ્પમાં યુનિવર્સિટીની યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી ઘરે બેઠા જોડાવાનું રહેશે. આ માટે અમારી યુ-ટયૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી ફરજિયાત છે.
ગીત-સંગીત, ચિત્ર, વેસ્ટમાંથી બેસ્ટ સાથે પપેટ અને જાદુના ખેલ શીખવા મળશે
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઑનલાઇન સમરકેમ્પમાં પાંચેય દિવસ સાંજે 4થી 5.30 દરમિયાન અલગ-અલગ એક્ટિવિટી થશે. જેમાં 11મી મેના રોજ ગીત-સંગીતની એક્ટિવિટી થશે. જ્યારે 12મી મેના રોજ ચિત્રકળાની એક્ટિવિટી થશે. 13મી મેના રોજ વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટીવ એક્ટિવિટીમાં બાળકો જોડાશે. 14મી મેના રોજ પપેટના મજેદાર ખેલ બાળકોને શીખવાડાશે. જ્યારે 15મી મેના રોજ ગુજરાતના ખ્યાતનામ જાદુગર દ્વારા બાળકોને જાદુના ખેલ શીખવાડાશે.
ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન થઇ શકે છે ભરતી મેળો !