આજે બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચે ટક્કર જામશે. સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ બન્ને ટીમ IPLમાં વિજયી શરૂઆત કરવા પર નજર રાખશે. રાજસ્થાન રોયલ્સની બેટિંગ મોટેભાગે કેપ્ટન સંજુ સેમસનના પ્રદર્શન પર નિર્ભર રહે છે.
સેસમન દર વર્ષે એક કે બે મેચમાં સારૂ પ્રદર્શન કરે છે. પરંતુ જો રોયલ્સે તેનું બીજુ ટાઈટલ જીતવું હોય તો તેણે તેના પ્રદર્શનમાં સાતત્ય રાખવું પડશે. આનાથી સેમસનને આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની તક પણ મળશે.
જોસ બટલર અને દેવદત્ત પડિકલ રોયલ્સ માટે ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે. બટલર પડિક્કલ સાથે રોયલ્સને મજબૂત શરૂઆત અપાવી શકે છે. મિડલ ઓર્ડરમાં રોયલ્સ પાસે હેટમાયર, જેમ્સ નીશમ, રિયાન પરાગ અને રાસી વાન ડેર ડુસેન જેવા પાવર-હિટર પણ છે. તેમનું યોગદાન ટીમ માટે ઘણું મહત્વનું રહેશે.
આ સિવાય રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની હાજરીમાં તેમની પાસે મજબૂત બોલિંગ યુનિટ પણ છે. આ બંનેનું પ્લેઈંગ ઈલેવનમાં રમવું નિશ્ચિત છે અને તેમની આઠ ઓવર નિર્ણાયક હશે. ફાસ્ટ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને નવદીપ સૈની હશે.
સનરાઈઝ હૈદરાબાદની વાત કરીએ તો કેપ્ટન વિલિયમસન તેમના બેટિંગ ક્રમમાં સૌથી અનુભવી બેટ્સમેન છે. ગ્લેન ફિલિપ્સ ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠી પર રહેશે. જો વિલિયમસન ત્રીજા નંબર પર ઉતરે છે તો રવિકુમાર સમર્થ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે જ્યારે અબ્દુલ સમદ ફિનિશર હશે.
ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે પરંતુ તેમણે અને ઉમરાન મલિકે તેમના પ્રદર્શનમાં સાતત્ય રાખવાની જરૂર છે. ડાબોડી ફાસ્ટ બોલર ટી નટરાજન પુનરાગમન કરી રહ્યા છે અને તેમનો યોર્કર વિરોધી બેટ્સમેનો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સ્પિનરોમાં વોશિંગ્ટન સુંદર, શ્રેયસ ગોપાલ અને જે સુચિતની ભૂમિકા મહત્વની રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
હૈદરાબાદ માટે સંભવિત પ્લેઈંગઃ રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, કેન વિલિયમસન (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકીપર), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન.
રાજસ્થાનનો સંભવિત પ્લેઈંગઃ યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોસ બટલર (વિકેટકીપર), રિયાન પરાગ, જેમ્સ નીશમ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના.