Weather Forecast Alert Today: ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. હવામાન વિભાગે દિલ્હી, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યો માટે હીટ વેવનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હીટ વેવની આશંકા છે. તો મધ્ય પ્રદેશ, વિદર્ભ અને રાજસ્થાનમાં આગામી ચાર દિવસો સુધી હીટ વેવ પોતાનો કહેર વરસાવશે.
હવામાન વિભાગે (IMD)એ ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, પૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પણ 30 માર્ચથી એક એપ્રિલ, 2022 સુધી ગરમીનો કહેર વર્તાશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે. દિલ્હીમાં 29 માર્ચથી હીટ વેવ કહેર મચાવશે. જોકે, જે રાજ્યોમાં હીટ વેવ ચાલશે, ત્યાં આગામી પાંચ દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે જણાવ્યું છે કે, તાપમાનમાં માત્ર 2-3 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર જોવા મળી શકે છે.
કેવું રહેશે ગુજરાત, રાજસ્થાનનું તાપમાન
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ પણ જોવા મળશે. આવી સ્થિતિમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન આજે 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે. લોકો માટે દિવસ દરમિયાન ધગધગતા તડકાને કારણે બહાર નીકળવું મુશ્કેલ બનશે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુરનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. આ સાથે જ ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ હીટવેવની શક્યતા છે.