ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે બોર્ડની આ પરીક્ષા દરમિયાન અમદાવાદથી એક ચકચારી સમાચાર સામે આવ્યા છે. જ્યાં આજે ધોરણ 12ની પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા તેનું કરૂણ મૃત્યું થયું છે.
મળતી માહિતી મુજબ, અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થી રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો જે દરમિયાન ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. પહેલા અચાનક જ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને બાદમાં ચેસ્ટ પેઇન થયું હતું.
જે બાદ અમાન આરીફ શેખને તાત્કાલિક ધોરણે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો જોકે અહીં ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર વધી જતા તેને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેને બચાવી શકાયો ન હતો. બનાવની જાણ થતાં વિદ્યાર્થીનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો, જ્યાં પરિવારના સભ્યોએ ભારે હૈયા ફાટ રૂદન કર્યું હતું.