ગાંધીનગરઃ ગુજરાત: 1985 બેચના આઈપીએસ અધિકારી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, પરંતુ હવે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જે બાદ નવા પોલીસ વડાની અટકળો પર હાલ પુરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે.
એક રિપોર્ટ મુજબ, આ અગાઉ આશિષ ભાટિયાએ સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસ વડા પદ છોડવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે તે સમયે તેમની આ વાતને નકારી દીધી હતી. હવે આશિષ ભાટીયાને બે મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.
કોણ છે આશિષ ભાટિયા?
આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને એન્જિનયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે.
આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP, રેલવેના DGP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
1985 બેચના IPS અધિકારી આશિષ ભાટિયા વર્ષ 2001માં પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 2011માં તેમને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.