કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોને અસર કરતી કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને આ બંધને સમર્થન જાહેર કર્યું છે.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની સરકારની યોજના તેમજ બેંકિંગ કાયદા સુધારા બિલ 2021નાં વિરોધમાં બેંક યુનિયનો હડતાળમાં ભાગ લઈ રહ્યાં છે.
દેશની સૌથી પ્રખ્યાત બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેંકોએ એક નિવેદન જારી કરીને ગ્રાહકોને જાણ કરી છે કે સોમવાર અને મંગળવારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
28 અને 29 માર્ચના રોજ બેંકોની બે દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડીયા બેન્ક એમ્પલોયી એસો.ના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી અળગા રહેશે.
આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. 4 દિવસ બેંક બંધ રહેતા રાજ્યના આશરે 25 હજાર કરોડના આર્થિક વ્યવહારો ખોરવાઈ જવાનો અંદાજ છે.
આ સાથે જ રેલવે અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા યુનિયનો પણ બંધના સમર્થનમાં રસ્તા પર ઉતરી શકે છે. જ્યારે રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે.
ઉર્જા મંત્રાલયે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને આજે હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. આ સાથે જ 24 કલાક વીજ પુરવઠો અને રાષ્ટ્રીય ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા સલાહ પણ આપવામાં આવી છે.