રાજ્યમાં શાંતિ-સલામતીના અહેસાસ ને પરિણામે જ નાગરિકો એ ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે એનો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ:
વૈધાનિક અને સસંદીય બાબતોના મંત્રી ૠષિકેશભાઈ પટેલ
વૈધાનિક અને સસંદીય બાબતોના મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ અને સલામતી નો અનુભવ કરનારી રાજ્યની જનતાએ ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે એ વિશ્વાસને અમે તૂટવા નહી દઈએ. રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની પ્રજાલક્ષી નીતિઓ થકી રાજ્યમાં હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.
આજે વિધાનસભા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પર સુરતના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ રજૂ કરેલા પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લીધો હતો
સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલે રાજય સરકારની પ્રજાલક્ષી નીતિ અને રાજય સરકારે હાથ ધરેલી કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, લારી-ગલ્લા થકી ગુજરાન ચલાવતાં નાના ઉદ્યમીઓ હોય કે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા છેવાડાના માણસોના ઉત્થાનની,ગરીબો તથા મહિલા સશક્તિકરણની,યુવાનોને કૌશલ્ય, તાલીમ અને રોજગારી પૂરી પાડવા સહિતની વિવિધ નીતિઓનો રાજ્યની જનતાએ પુન:સ્વીકાર કર્યો છે.
તેમણે આરોગ્ય વિષયક સિદ્ધિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, PMJAY જેવી આરોગ્યની યોજનાઓ ગરીબ અને નિમ્ન આવક ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ બની છે. માંદગીના કારણે દેવાદાર થતા લોકોને સારવાર ખર્ચમાંથી મુક્ત કરવાનું કાર્ય આ યોજનાના માધ્યમથી રાજ્ય સરકારે કર્યું છે. આજે ૧.૬૮ કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. તાલુકા સ્તરે કિડનીની સારવાર માટે ડાયાલિસિસ માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યાં છે. મિશન ઈન્દ્ર ધનુષ યોજના અંતર્ગત ૧૭ જેટલા રોગોની પ્રતિરોધક રસી મફતમાં આપવામાં આવે છે.વર્ષ ૨૦૦૧માં પ્રતિ ૧૦૦૦ દીઠ માતા મૃત્યુદર ૧૭૨ હતો,જે આજે ઘટીને માત્ર ૭૨ રહ્યો છે,એને શૂન્ય કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેઓએ વધુમાં રાજ્યપાલ દ્વારા ગૂજરાત વિદ્યાપીઠના સફાઈ અભિયાનની સરાહના કરતાં કહ્યું હતું કે,રાજ્યપાલ ગાંધીજીના આદર્શનું અનુસરણ કરીને સમાજમાં હકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાપીઠના પગલે રાજ્યની તમામ શાળા-કોલેજોમાં દર પંદર દિવસે આવું સફાઈ અભિયાન નિયમિત કરવામાં આવે અને પાણીના બચાવ અંગે જાગૃત કેળવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.