મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 8 પ્રધાનોના ભાવિ માટે સોમવારે થશે મતદાન
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 વિધાનસભા બેઠકો બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 95 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે.જેની મત ગણતરી 8 ડિસેમ્બર ના રોજ હાથ ધરવામાં આવશે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉદ્યોગ રાજય પ્રધાન જગદીશ પંચાલ ,આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ,રાજ્યકક્ષા ના પ્રધાન કીર્તિસિંહ વાઘેલા ,ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ ,મુખ્ય દંડક પંકજ દેસાઈ ,પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ,પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી ,પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી સહીત કોંગ્રેસ બીજેપીના સિનિયર નેતાઓનું ભાવિ નક્કી થશે.
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડધમ શાંત થઈ ગયાં છે. હવે સોમવારે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્યાર બાદ 8મી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. હવે કોઇપણ પ્રચારસભા કે રોડ-શોનું આયોજન કરી શકાશે નહીં. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન થશે. આ 93 બેઠકો પર 60 પક્ષોના 833 ઉમેદવારો જંગમાં છે. ભાજપના 93, કોંગ્રેસના 90, AAPના 93 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. અન્ય પક્ષના 272, 285 અપક્ષો મેદાને છે.
બીજા તબક્કામાં મુખ્યપ્રધાન સહીત , 8 પ્રધાનો અને 12 પૂર્વ મંત્રી મેદાને છે. બીજા તબક્કામાં કોંગ્રેસના 2 કાર્યકારી પ્રમુખ તેમજ 2 પૂર્વ CMના પુત્ર પણ ચૂંટણી મેદાને છે.બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદાર છે. ઘાટલોડિયામાં સૌથી વધુ 4 લાખ 28 હજાર 542 મતદાર છે. 93 પૈકી 2017માં ભાજપને 51, કોંગ્રેસને 39, અપક્ષને 3 બેઠક મળી હતી.833 પૈકી 764 પુરૂષ, 69 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. 93 પૈકી ભાજપમાંથી 8 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 8, AAPના 1, અન્ય પક્ષના 31 મહિલા ઉમેદવારો મેદાને છે. કુલ 285 અપક્ષમાંથી 21 મહિલા અપક્ષ ઉમેદવાર છે. અપક્ષની વાત કરીએ તો, સૌથી વધુ બાપુનગરમાં 29 અપક્ષ, સૌથી ઓછા ઈડરમાં 3 અપક્ષ ઉમેદવાર છે.
40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે
બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે. 1 લાખથી વધુ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા છે.
બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે.