1990 પછી ભાજપાનું શાસન આવ્યા બાદ સૌરાષ્ટ્ર કચ્છની પાણીની સમસ્યા તથા ગુંડાઓ અને માફિયાઓના રાજ સમાપ્ત થયું અમિતભાઇ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મઉ, લંડન નાગપુર,મુંબઈ અને દિલ્હીમાં આંબેડકરજીના પાંચ તીર્થ બનાવ્યા, 14 એપ્રિલને “સમરસતા દિવસ” અને 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવાનું નક્કી કરી આંબેડકરજીના ઇતિહાસને સોનેરી અક્ષરથી લખવાનું કામ કર્યું. અમિતભાઇ શાહ
કોંગ્રેસે લાવેલો કાયદો કે ખેડૂત 8 કિલોમીટર દૂર ખેતીની જમીન ન ખરીદી શકે. ભાજપાએ આ કાયદો દૂર કરી સૌરાષ્ટ્રના ખેડૂતોની સંપત્તિ વધારવામાં ખૂબ મોટું કામ કર્યું – અમિતભાઇ શાહ
કોંગ્રેસ સરકારમાં અનુસૂચિત જાતિ માટેનું બજેટ માત્ર 180 કરોડ રૂપિયા હતું, પરંતુ મોદી સરકારમાં તે વધીને 6,000 કરોડ રૂપિયા થઈ ગયું છે. મોદી સરકારે પછાત વર્ગ આયોગને બંધારણીય માન્યતા આપી અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે તેમના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રચંડ ચુંટણી સભાઓ સંબોધી હતી.
અમિતભાઈ શાહે શક્તિ સ્વરૂપ માં ખોડીયાર, સંત શિરોમણી જલારામ બાપા તથા પાટડી ખાતે ત્રિશ્વર મહાદેવ અને બારડોલી ખાતે કેદારેશ્વર મહાદેવના ચરણોમાં વંદન સાથે જણાવ્યું હતું કે તમારો મત ભાજપાના ઉમેદવારોને જીતાડવા કે ફક્ત ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા માટે જ નહીં પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ઉજ્વળ ભવિષ્યના નિર્માણ માટે મહત્વનો છે.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે અનેક વર્ષ શાસન કર્યું અને તેમના શાસનમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પાણી માટે ટળવળતા હતા અને છેક ગાંધીનગરથી પાણીની ટ્રેન રાજકોટ સુધી દોડાવવામાં આવતી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંડાઓ અને માફિયાઓનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું તે સમયે કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, નારસિંહભાઈ પઢીયાર તથા સૂર્યકાંતભાઈના નેતૃત્વમાં ગામે ગામ ગુંડા વિરોધી સમિતિઓ બનાવવામાં આવી હતી. 1990 પછી ભાજપાનું શાસન આવ્યા બાદ સૌરાષ્ટ્ર કચ્છની પાણીની સમસ્યા તથા ગુંડાઓ અને માફિયાઓના રાજ સમાપ્ત થયા. સમગ્ર સૌરાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ ચેક ડેમો બનાવી પાણીના સ્તર ઊંચા લાવવાનું ભગીરથ કાર્ય ભાજપાની સરકારે કર્યું છે.
અમિત શાહે કોંગ્રેસની નીતિરીતિની ઝાટકણી કાઢતા કહ્યું કે 1963 માં સરદાર સરોવર ડેમનું ભૂમિ પૂજન નેહરુ એ કર્યું પરંતુ 60 વર્ષ સુધી આ નર્મદા યોજનાનું કામ પૂર્ણ ન થવા દઈને કોંગ્રેસે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાને પીવાના અને ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખ્યા. 2004માં ચુકાદો આવ્યો તો પણ કોંગ્રેસની કેન્દ્ર સરકારે ઊંચાઈ વધારવાની ના પાડી અને ત્યાર પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમરણાંત ઉપવાસ પર બેઠા અને ડેમની ઊંચાઈ વધારવાની શરૂઆત થઈ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસના ખૂબ દીર્ઘદ્રષ્ટિ સાથે લાંબાગાળાના આયોજનો કર્યા. પ્રધાનમંત્રી તરીકે મોદીએ જવાબદારી સંભાળ્યાના 15 દિવસમાં જ નર્મદા બંધ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં દૂર – સુદુર સુધીમાં નર્મદાના નીર પહોંચ્યા. આ ઉપરાંત વધારાનું પાણી દરિયામાં જતું અટકાવી ત્રણ તબક્કામાં સૌની યોજના લાવી ડેમો, તળાવો, ઘરો અને ખેતરોમાં પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય શ્રી મોદીજીએ કર્યું. સમગ્ર વિસ્તારમાં પાણીની તરસ છીપાવવાનું કાર્ય ભાજપે કર્યું અને તેને પરિણામે વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા. આદરણીય શ્રી મોદીજીએ પીવાના અને સિંચાઈના પાણી ન કેવળ પહોચાડ્યા પરંતુ ખેડૂતોને તેની ઉપજના સારામાં સારા ભાવ મળે તેવી વ્યવસ્થા પણ કરી.
શાહે કહ્યું હતું કે દુષ્કાળના સમયમાં સૌરાષ્ટ્રના મહેનતકશ ખેડૂતો સમગ્ર ગુજરાતમાં ખેતી કરવા જતા હતા. પરંતુ ત્યાં તેઓ જમીન ખરીદી ન શકતા કોંગ્રેસે કાયદો લાવેલો હતો કે ખેડૂત 8 કિલોમીટર દૂર ખેતીની જમીન ન ખરીદી શકે. ભાજપાએ આ કાયદો દૂર કરી સૌરાષ્ટ્રના ખેડૂતોની સંપત્તિ વધારવામાં ખૂબ મોટું કામ કર્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસના સમયમાં ગામડાઓમાં વીજળીનું નામો નિશાન ન હતું. ગામડાઓનો વિકાસ રૂંધાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં 24 કલાક વીજળી આપી સાચા અર્થમાં વિકાસનો રસ્તો પ્રશસ્ત કર્યો. ભાજપનું શાસન આવ્યા બાદ જ ગુંડાઓ અને માફિયાઓ ભો ભીતર થયા, કાયદો વ્યવસ્થા અને શાંતિ સ્થપાઇ જેને પરિણામે ગુજરાતમાં ચોમુખી વિકાસ શક્ય બન્યો.
શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે અને બાદમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો વિકાસ સાધવામાં કોઈ કસર બાકી નથી રાખી. આજે તેના પરિણામે જ મોટા પ્રમાણમાં ઉદ્યોગો, અસંખ્ય સ્ટાર્ટઅપ્સ,ઉત્તમ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ, ગેસ સિલિન્ડર, શૌચાલય, ૨૪ કલાક વીજળી, ઘરનું ઘર અને કરોડો લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિશુલ્ક સુરક્ષા કવચ મળ્યું છે.
શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી જ ગુજરાતની વિકાસ યાત્રા શરૂ થઈ અને આજે ડબલ એન્જિનની સરકારમાં તે વધુ રફતારથી આગળ વધી રહી છે. આજે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ, સૌથી મોટું સ્ટેડિયમ, સૌથી મોટી ગિફ્ટ સિટી, સૌથી પહેલી બુલેટ ટ્રેન, સૌથી વધુ વિદેશી રોકાણ, સૌથી વધુ લઘુ ઉદ્યોગો અને સૌથી વધુ એક્સપોર્ટ ગુજરાતમાંથી થઈ રહ્યા છે તે મોદીના વિઝનનું જ પરિણામ છે.
શાહે સહકાર ક્ષેત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં સહકારી ડેરીઓને કોંગ્રેસે ખંભાતી તાળા મારી દીધા હતા. 2005 થી 2010 દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ આ બધી જ ડેરીઓને અમુલ તેમ જ એનડીડીબી સાથે જોડી ડેરીઓને સજીવન કરી પશુપાલકો – ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું ઉત્તમ કામ કર્યું.
શાહે દસાડા ખાતે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેમના પ્રથમ ભાષણમાં જ કહ્યું હતું કે મારી આ સરકાર ગરીબો, દલિતો, આદિવાસીઓ અને વંચિતોની સરકાર છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસે દલિતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કર્યો. નેહરુ થી લઇ સોનિયા ગાંધી સુધી ચાર ચાર પેઢીઓએ આંબેડકરનું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. મહામાનવ બાબાસાહેબ ને કોંગ્રેસે સંસદમાં ન આવવા દીધા, ન તો ભારત રત્ન આપ્યો, ન કોઈ સ્મારક બનાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મઉમાં તેમના જન્મ સ્થળે અને લંડનમાં સ્મારક, નાગપુરમાં દીક્ષા ભૂમિ, મુંબઈમાં ચૈત્યભૂમી અને દિલ્હીમાં મહા પરીનિર્વાણ સ્થળ સહિત આંબેડકરજીના પાંચ તીર્થ બનાવ્યા. આ ઉપરાંત 14 એપ્રિલને “સમરસતા દિવસ” અને 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવાનું ભાજપાએ નક્કી કરી આંબેડકરજીના ઇતિહાસને સોનેરી અક્ષરથી લખવાનું કામ કર્યું. તેઓએ કહ્યું કે ૧૯૯૦ માં કોંગ્રેસના છેલ્લા બજેટમાં અનુસૂચિત જાતિ માટે ૧૮૦ કરોડ રૂ. ની જોગવાઇ કરવામાં આવી હતી જ્યારે તેની સામે આ વખતે રૂ. ૬ હજાર કરોડની જોગવાઈ ભાજપાની સરકારે કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્રીપલ તલાક નો કાયદો રદ કરી મુસ્લિમ બહેનોને આ અભિશાપમાંથી મુક્તિ અપાવી છે.
શાહે કહ્યું કે દુધરેજ વઢવાણમાં ૯ કરોડના ખર્ચે પીવાના પાણીની યોજના, ₹370 કરોડની લાગત થી મેલા મેદાનમાં અધ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ, રૂ. 130 કરોડ ખર્ચે મેઘાણીબાગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ, સુરસાગર ડેરીમાં નવો પનીર પ્લાન્ટ તથા ધોળી ધજા બંધ પર્યટન યોજના, એક લાખથી વધુ બહેનોને ગેસ કનેક્શન 2,63,000 ખેડૂતોને ₹6,000 તેમના ખાતામાં સીધા જમા તથા ૨ લાખ થી વધુ શૌચાલયો સહિત અનેક વિકાસ કાર્યોની ભેટ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપાની સરકારે આપી છે.
શાહે બારડોલી ખાતેના તેમના સંબોધનમાં કહ્યું કે આ ખમીરવંતી ભૂમિએ વલ્લભભાઈ પટેલને ” સરદાર” બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે જેને સરદાર સાહેબનું નામ ઇતિહાસમાંથી ભૂંસવા આજીવન પ્રયત્નો કર્યા અને હવે ચુંટણી સમયે સરદાર સાહેબનું નામ વટાવવા નીકળી પડે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ન કેવળ સરદાર સાહેબને છાજે તેવું સ્ટેચ્યુ બનાવ્યું પણ સરદાર સાહેબના પદ ચિન્હો પર દેશની એકતા અને અખંડિતતા માટે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ જેવી વંશવાદ થી ચાલતી પાર્ટી લોકશાહી થી ચાલતા દેશની આત્માને ક્યારેય ન સમજી શકે. ભાજપા જ એકમાત્ર એવી પાર્ટી જેમાં વ્યક્તિનું મેરીટ જોવાય છે જ્યારે કોંગ્રેસમાં માં – બાપ જોવાય છે.
શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના ૬૦ વર્ષના શાસન માં હળપતિ સમાજ માટે કંઈ ન કર્યું. ભાજપા સરકારે ભૂમિહિન હળપતિ સમાજ માટે ૨૦૧૬ થી ૨૦૨૦ દરમ્યાન કરોડો રૂપિયાની લાગત થી ઘરનું ઘર અને ભણવાની વ્યવસ્થા કરી. કોંગ્રેસના સમયમાં સુરત કચરાના ઢગ નીચે દબાયેલ હતું. ભાજપા એ સુરતની સુરત બદલી આજે સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ આવી રહ્યું છે.
શાહે કહ્યું કે ગુજરાતમાં ભાજપાએ સર્વાંગી વિકાસ કર્યો છે, આ સાથે ગુજરાતની જનતાએ પણ ભાજપને સતત તેના આશીર્વાદ અને સ્નેહ આપ્યા છે. તેઓએ અપીલ કરતા કહ્યું કે આગામી ૧ અને ૫ ડિસેમ્બરના રોજ ભાજપા ઉમેદવારોની તરફેણમાં પ્રચંડ મતદાન કરીએ, આ વૈભવશાળી અને સમૃદ્ધ ગુજરાત ભાજપ અને ખમીરવંતા ગુજરાતીઓએ બનાવ્યું છે તેની પ્રતીતિ સમગ્ર દેશને કરાવીએ.