રાજ્યના યુવાઓ અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.
આ મામલે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલ મહાકુંભને મળી રહેલા પ્રતિસાદ મુજબ રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વર્ષના ખેલ મહાકુંભમાં અમુક રમતવીરોને હજી રજિસ્ટ્રેશન કરાવવાના માગ આવતા યુવાઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને આજે સવારે 10 વાગ્યાથી આવતીકાલે સવારે 11:59 વાગ્યા સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવી રહ્યું છે તો રસ ધરાવતા રમતવીરોએ ભૂલ્યા વિના આ શ્રેષ્ઠ તકનો લાભ અચૂકપણે લેવા અપીલ છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હજી પણ અનેક એવા ખેલાડીઓ છે જેઓ ખેલ મહાકુંભમાં જિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. જેથી ગૃહમાં ખાતરી આપવામાં આવી હતી કે વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે ફરી રજિસ્ટ્રેશન ખોલવામાં આવશે.