ગલી બોય ફેમ રેપર ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડ (MC Tod Fod)નું 24 વર્ષની વયે નિધન થયું છે. સોમવારે આ વાતની જાણકારી આપતા ધર્મેશ પરમારના બેન્ડ ‘સ્વદેશી મૂવમેન્ટે’ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જણાવી દઈએ કે, ધર્મેશ પરમારે ‘ગલી બોય’ના ‘ઈન્ડિયા 91’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. ધર્મેશ પરમારના નિધનના સમાચાર બાદ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા રણવીર સિંહે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રેપરની તસવીર શેર કરી છે. જ્યારે સિદ્ધાંતે સ્વર્ગસ્થ રેપર સાથેની તેમની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
ધર્મેશ પરમાર ઉર્ફે એમસી તોડ ફોડ સ્વદેશી મૂવમેન્ટ નામના સિંગિંગ બેન્ડનો ભાગ હતા. સ્વદેશી બેન્ડે ધર્મેશ પરમારના મૃત્યુની પુષ્ટિ કરી છે. કહેવાઈ રહ્યું છે કે ધર્મેશ પરમારની કારનો અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં જ તેમનું મૃત્યુ થયું છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ વિશે માહિતી આપતાં તેમના બેન્ડ સ્વદેશીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી છે અને આ સાથે રેપર એમસી તોડફોડને પણ તેમની ખાસ શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી છે. તાજેતરમાં યોજાયેલા ‘સ્વદેશી મેળા’માં એમસી તોડફોડ દ્વારા કરવામાં આવેલ પ્રદર્શનનો વીડિયો પોસ્ટ કરીને તેમને આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.