બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે સોમવારે સવારે તેના ચાહકોને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તે ટૂંક સમયમાં માતા બનવાની છે. સોનમ કપૂરની આ પોસ્ટ સામે આવતાની સાથે જ શુભચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે.
સોનમ અને આનંદ આહુજા પેરેન્ટ્સ બનવાના છે. સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તસવીરોમાં સોનમ કપૂર પતિ આનંદના ખોળામાં સૂતી જોવા મળે છે. બ્લેક રંગના બોડીસૂટમાં સોનમ આકર્ષક લાગી રહી છે અને બેબી બંપ જોવા મળી રહ્યો છે.
ભાવનાત્મક પોસ્ટ લખી
સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “ચાર હાથ. જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય. જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે. એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. અમે તારું સ્વાગત કરવા માટે રાહ નથી જોઈ શકતાં.”
2018માં થયા હતા લગ્ન
નોંધનીય છે કે, સોનમ કપૂર અને આનંદ અહુજાના લગ્ન 8 મે, 2018ના રોજ થયા હતા. લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોનમ કપૂર અને આનંદ આહુજા વચ્ચે વર્ષ 2014માં મિત્રતા થઈ હતી અને તે પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
સોનમની ફિલ્મો
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સોનમ કપૂર છેલ્લે વર્ષ 2020માં તેના પિતાની વેબ સિરીઝ ‘એકે વર્સેસ એકે’માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં કામ કરતી જોવા મળશે. સોનમ કપૂરે વર્ષ 2007માં ફિલ્મ ‘સાવરિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘દિલ્હી 6’, ‘ખૂબસુરત’, ‘નીરજા’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘વીરે દી વેડિંગ’ અને ‘રાંઝના’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.