ગરીબોની સુખાકારી જ અમારો સંકલ્પ
રાજ્યમાં કોઇ ભૂખ્યો સૂવે નહીં તે માટે અમે સસ્તા અનાજની દુકાનોમાં
રાત્રે પણ અનાજ વિતરણ કર્યુ છે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ
ગુજરાતમાં દર માસે ૭૧ લાખ કાર્ડ હેઠળ અંદાજે ૩.૫ કરોડ નાગરિકોને વિના મૂલ્યે
અનાજ આપીને અમારી સરકાર અંત્યોદયની ભાવના સાકાર કરી રહી છે
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સ્વ. કેશુભાઇ પટેલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકાર ઉપર પ્રજાએ છેલ્લા ૨૭-૨૭ વર્ષથી ભરોસો મુક્યો છે તે તૂટે નહીં તેની અમે સતત ચિંતા કરીએ છીએ. ગરીબોની સુખાકારીના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક વર્ષમાં અમારા વિભાગે પ્રયાસો કર્યા છે કે રાજ્યમાં કોઇ ભૂખ્યો સૂવે નહીં તે માટે અમે સસ્તા અનાજની દુકાનોમાં રાત્રે પણ અનાજ વિતરણ કર્યુ છે. ગ્રાહકો અને સસ્તા અનાજની દુકાનદારોના પ્રશ્નો હલ કરવા તેમની રૂબરૂ મુલાકાત કરીને સંવાદ પણ કર્યો છે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનધારકોને મળતું રૂ.૧૦૮નું કમિશન વધારીને રૂ.૧૪૨ કરવામાં આવ્યું છે જેના કારણે સરકાર પર કરોડોનું ભારણ આવ્યું છે.
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં મોંઘવારી અંગેના વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવમાં સહભાગી થતા મંત્રી નરેશભાઇ પટેલે ગરીબોને વિના મૂલ્યે આપવામાં આવતા ઘઉં, ચોખા, દાળ, તેલ અને ફોર્ટિફાઇડ મીઠા પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અમારી સરકાર ગુજરાતમાં દર માસે ૭૧ લાખ કાર્ડ હેઠળ અંદાજે ૩.૫ કરોડ નાગરિકોને વિના મૂલ્યે અનાજ આપીને અંત્યોદયની ભાવના સાકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી ‘વન નેશન, વન રાશન કાર્ડ’ થકી આજે ગુજરાતમાં ડાંગ, દાહોદ, સુરત, અમદાવાદ વગેરે કોઇપણ જિલ્લામાં કામ કરતો ગુજરાતી કોઇપણ શહેરમાં વિના મૂલ્યે અનાજ મેળવી પોતાની અને પરિવારની ભૂખ દૂર કરી શકે છે એટલે ગુજરાતમાં કોઇ ભૂખ્યો સુતો નથી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ૧૪ કરોડ લોકોને વિના મૂલ્યે ગેસ કનેક્શન આપીને તેમને અને તેમના પરિવારને ધૂમાડામાંથી મુક્ત કર્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વીજળી, પાણી અને શૌચાલય સહિતની સુવિધા આપીને લાખો બહેનોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના ૧૩૦ કરોડ દેશવાસીઓને સ્વદેશી વેક્સિનના બે ડોઝ આપીને વધુ સુરક્ષિત કર્યા છે. જ્યારે વેક્સિન શોધાઇ ત્યારે ઘણા લોકો વેક્સિનનો ભ્રામક પ્રચાર કરતા હતા તેવા લોકોએ પણ વેક્સિનના બે ડોઝ લઇને પોતાની જાતને સુરક્ષિત કરી છે તેમ મંત્રીએ વિધાનસભા ગૃહમાં ઉમેર્યુ હતું.