કોંગ્રેસ ની સરકાર બનશે તો માછીમારો નો કેવી રીતે કરશે ઉદ્ધાર .જગદીશ ઠાકોર ની મોટી જાહેરાતો
નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીન ને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી અને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી.
પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૫૦ લાખનું આર્થિક પેકજ.
પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને છોડાવવા ઘનિષ્ટ પ્રયાસો, પરિવારને રૂ. ત્રણ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ.૪૦૦ ની કુટુંબીજનોને સહાય તથા જેલ માં મૃત્યુ પામતા માચ્છીમારોને રૂ. ૧૦ લાખની સહાય.
૨૦૦૪ થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDC ની સહાય યોજના શરુ કરાવાશે.
પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો/સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં અગ્રતા.
નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના
દરિયામાં ઔદ્યોગિક પ્રદુષિત કચરો / પ્રદુષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરશે.
માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન – મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ પ્લાન્ટોને અદ્યતન બનાવવા અને નવા પ્રોસેસિંગ પ્લાન્ટો સ્થાપવા આર્થિક સહાય.
માછીમાર ભાઈઓને મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય.
માછીમાર વસાહતો – માછીમાર આવાસ યોજના :- માછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ/શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માછીમારો માટેની અલગ વસાહતો ઉભી કરવામાં આવશે.
માછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિઓ.
દેશી વહાણ ઉદ્યોગને પ્રોસ્તાહન :- પરંપરાગત માછીમારી કરતા કે દરિયો ખેડતા સમુદાયો દેશી વહાણ ઉદ્યોગોમાં આગળ વધે અને રોજગારી મેળવે તે માટે જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવવા તથા દેશી વહાણો મારફત આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોસ્તાહન યોજના જાહેર કરશે.
માછીમારી ક્ષમતાનો પુરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માચ્છીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા ‘માચ્છીમાર વિકાસ બોર્ડ’ની રચના
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની સબસીડી, પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમાર માટે દૈનિક રૂ.૪૦૦નું ભથ્થું તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકને રૂપિયા ૫૦ લાખનું પેકેજ, માચ્છીમારો માટે નવી આવાસ યોજના, બાળકો માટે શિષ્યવૃત્તિ, દરેક મત્સ્ય બંદરો પર ”મત્સ્ય વ્યાપાર ઝોન”, પ્રોસેસીંગ પ્લાન્ટો માટે પ્રોત્સાહન, દેશી વહાણવટા માટે પ્રોત્સાહન સહિતના ૧૪ મુદ્દાના સંકલ્પ-ગેરેંટીની જાહેરાત કરી હતી.
આજે માચ્છીમારોના સંકલ્પ પત્રની રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતેથી જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખઅર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ૨૭ વર્ષના શાસનમાં માચ્છીમારોના હક્ક ઝુંટવનારી ભાજપની સરકારને હટાવીને ૨૦૨૨માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માચ્છીમાર ભાઈઓ માટે ૨૭ વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પૂનઃ જીવીત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફીશીંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માચ્છીમારો માટેના ૧૪ સંકલ્પો-ગેરેંટીની જાહેરાત કરી હતી.
માચ્છીમાર બોટ માલીકોને ૩૬ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલઃ- ડીઝલના ઉંચા ભાવોને કારણે માચ્છીમાર દેવામાં ડૂબી ગયો છે. કોંગ્રેસના શાસનમાં માચ્છીમાર ભાઈઓને પંપ ઉપરથી જ સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ અપાતું હતું. પરંતુ ભાજપની ભ્રષ્ટ સરકારે સેલ્સટેક્ષ કાપીને પંપ ઉપરથી ડીઝલ આપવાની પ્રથા બંધ કરીને સેલ્સટેક્ષની સબસીડી પરત મેળવવા માટે અરજીઓ કરવાની થકવી નાંખનારી પ્રથા ઉભી કરી છે. માચ્છીમારોને હાલમાં બોટદીઠ માત્ર ૨૪ હજાર લીટર ડીઝલનો વાર્ષિક કવોટા અપાય છે. કોંગ્રેસની સરકાર માચ્છીમારોને બોટ દીઠ ૩૬ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ આપવાની ખાત્રી-ગેરેંટી આપે છે.
નાની ફાયબર-પીલાણા બોટ માટે વાર્ષિક ૪૦૦૦ લીટર પેટ્રોલ તથા એન્જીન માટે રૂ. ૧ લાખની સબસીડીઃ- કોંગ્રેસની સરકારમાં નાની બોટ-પીલાણા માટે સસ્તા ભાવનું કેરોસીન અપાતું હતું. ભાજપ સરકારે ડીઝલ-પીટ્રોલ કરતાં પણ કેરોસીનનો ભાવ વધારી દીધો છે. ઉપરાંત હવે પીલાણામાં પેટ્રોલ એન્જીન વપરાય છે. તેમાં કોઈ સબસીડી મળતી નથી. પેટ્રોલ એન્જીન ઉપર પણ માત્ર રૂ. ૬૦ હજારની સબસીડી અપય છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર પીલાણા માલીકોને વાર્ષિક ૪૦૦૦ લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ તથા પેટ્રોલ એન્જીન બેસાડવા માટે રૂ. ૧ લાખની સબસીડી આપવા માટેની ગેરેંટી આપે છે.
પાકિસ્તાનના કબ્જામાં રહેલા જેલવાસી ફીશરમેનો માટે રૂ.૪૦૦/પ્રતિદિન તથા પાકિસ્તાનના કબ્જામાં રહેલ બોટના માલિકોને રૂ. ૫૦ લાખનું પેકેજઃ- અત્યારે પાકિસ્તાનની જેલમાં ૬૦૦ જેટલા માચ્છીમારો તથા ગુજરાતના માચ્છીમારોની ૧૧૦૦ જેટલી બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. પાકિસ્તાનના કબ્જામાંથી કોંગ્રેસના શાસન વખતે માચ્છીમારો પાકિસ્તાનની જેલમાંથી ૬-૧૨ મહિને છોડાવવા આવતા. હવે ૨-૩ વર્ષે માંડ છુટે છે. જયારે બોટને તો પાકિસ્તાન છોડતું જ નથી. અગાઉ કોંગ્રેસની યુપીએ સરકારે પાકિસ્તાનની જેલમાં રહેલા ફીશરમેનો માટે રૂ. ૩ લાખનું પેકેજ તથા બોટ માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. ૨૦ લાખનું પેકેજ આપેલ હતું. વર્તમાન ભાજપ સરકારે આ પેકેજો બંધ કરેલ છે. ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર આવશે તો પાકિસ્તાનની જેલમાં રહેલ માચ્છીમારોને રૂ.3 લાખનું પેકેજ તથા પ્રતિદિન રૂ.૪૦૦નું ભથ્થું અને પાકિસ્તાનના કબ્જામાં રહેલી બોટોના માલીકો માટે બોટ બાંધવા માટે રૂ.૫૦ લાખનું આર્થિક પેકેજ આપવાની ગેરેંટી આપે છે.
સહકારી ધોરણે બોટ બાંધવા NCDCની સહાય ચાલુ કરાશેઃ- સહકારી ધોરણે બોટ બાંધવા લોન અને સબસીડીની NCDCની યોજના વર્તમાન ભાજપ સરકારે ૨૦૦૪થી બંધ કરી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર માચ્છીમારોને બોટ બાંધવા માટે NCDCની લોન તથા સબસીડીની યોજના શરૂ કરાશે.
જીંગા ઉછેર ફાર્મ માટે જમીન આપવા પરંપરાગત માચ્છીમાર સમુદાયોને અગ્રતાઃ- અત્યારે જીંગા ઉછેર કેન્દ્રો સ્થાપના અને સંચાલન મોટાભાગે બિનમાચ્છીમાર લોકો પાસે છે. ઝીંગા ઉછેર ફાર્મ માટે સરકારી જમીનોની ફાળવણી પણ બિનમાચ્છીમારોને થાય છે. જીંગા ઉછેર ફાર્મ માટે પરંપરાગત માચ્છીમાર સમુદાયને અગ્રતા આપવાની નીતિ ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર બનાવશે.
ઈનલેન્ડ ફીશરીઝ-તળાવો-ડેમમાં માચ્છીમારી માટે પરંપરાગત માચ્છીમારોની સહકારી મંડળીઓને અગ્રતાઃ- પરંપરાગત માચ્છીમારી કરતા સમયુદાયોની રોજી રોટી જળવાઈ રહે તથા તેમની ક્ષમતાનો વિકાસ થાય તે માટે તળાવો-ડેમોમાં માચ્છીમારી માટેના ઈજારામાં માચ્છીમાર સમુદાયોની સહકારી મંડળીઓને અગ્રતા આપવાની નીતિ ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ સરકાર અપનાવશે.
સમુદ્ર-તળાવોમાં ઔદ્યોગિક કચરો અને પ્રદૂષણ પ્રતિબંધ મુકતો કાયદોઃ- ભાજપની મોટા ઉદ્યોગો તરફી નિતિને કારણે અત્યારે દરિયાકાંઠા ઉ૫ર આવેલાં કારખાનાંઓ આદ્યોગિક કચરો સીધો જ દરિયામાં ઠાલવે છે એટલું જ નહીં પરંતુ જેતપુર, અમદાવાદ, વડોદરા, વાપી સહિતના ઉદ્યોગોનો કેમીકલ યુકત કચરો પાઈપાલાઈન મારફતે દરિયામાં ઠાલવવાની યોજના વર્તમાન ગુજરાત સરકારે બનાવી છે. અત્યારે પ્રદૂષણને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકશાન થયું છે અને મત્સ્ય ઉત્પાદન ઘટ્યું છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક કચરો દરિયા-ડેમમાં ઠાલવવા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો વિધાનસભામાં પસાર કરશે.
નવા માચ્છીમાર બંદરોનું બાંધકામ અને વર્તમાન બંદરોની ક્ષમતામાં વધારોઃ- ભાજપ સરકારે છેલ્લાં ૨૭ વર્ષમાં એક પણ નવું મત્સ્ય બંદર બાંધ્યું નથી. એટલું જ નહીં વર્તમાન મત્સ્યબંદરોની ક્ષમતામાં પણ નહીંવત વધારો થયો છે. જ્યારે બોટોની સંખ્યા ૫૦૦૦માંથી ૩૫,૦૦૦ સુધી પહોંચી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર નવાં મત્સ્યબંદરોનાં બાંધકામનું આયોજન કરવાની સાથે પોરબંદર સહિતના મત્સ્ય બંદરોની ક્ષમતામાં વધારો કરવા ફેઈઝ-૨ને મંજુરી આપશે.
મત્સ્ય બંદરો ઉપર ”માચ્છીમાર વ્યાપાર ઝોન”.- મત્સ્ય બંદરો ઉપર માચ્છીમાર બોટને લાંગરવા સિવાયની સુવિધાઓ નહીંવત છે. મત્સ્ય કામગીરી સાથે સંકળાયેલ બોટ માલીકોનાં ગોડાઉન, વર્કશોપ સહિતની સુવિધાઓ માટે વિશાળ જમીન ફાળવીને આધુનિક ”માચ્છીમાર વ્યાપાર ઝોન”નું નિર્માણ કરાશે.
મત્સ્ય પ્રોસેસીંગ પ્લાંટની સ્થાપના તથા ક્ષમતામાં વધારો કરવા આર્થિક સહાયની યોજનાઃ- મત્સ્ય પ્રોસેસીંગ અને વેલ્યુ એડીશન-મુલ્ય વર્ધન માટે પ્રોસેસીંગ પ્લાંટની ગુણવતા વૈશ્વિક કક્ષાની હોવી જરૂરી છે. નવા આધુનિક પ્રોસેસીંગ પ્લાંટની સ્થાપના તથા વર્તમાન પ્લાંટના અપગ્રેડેશન માટે માતબર આર્થિક સહાયની યોજના ૨૦૨૨માં બનનારી કોંગ્રેસની સરકાર લાવશે.
માચ્છીમાર આવાસ યોજનાઃ- અગાઉની કોંગ્રેસ સરકારોએ માચ્છીમારો માટે આવાસ યોજનાઓનો અમલ કર્યો હતો. પરંતુ ૨૭ વર્ષમાં વર્તમાન ભાજપ સરકારે માચ્છીમાર આવાસ યોજનાઓ બંધ કરી દીધી છે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર માચ્છીમાર આવાસ યોજના પૂનઃ શરૂ કરીને માચ્છીમાર વસ્તી ધરાવતાં દરેક ગામ/શહેરમાં માચ્છીમારોને ઘરનું ઘર મળી રહે તે માટેની યોજનાનો અમલ કરશે.
માચ્છીમાર પરિવારના બાળકો માટે શિષ્યવૃત્તિઃ- માચ્છીમાર સમુદાયોમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. માચ્છીમાર સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં અલગથી શિષ્યવૃત્તિ આપવા માટે અલગ ભંડોળ ફાળવવામાં આવશે. ૨૦૨૨માં બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર માચ્છીમાર બાળકોની શિષ્યવૃત્તિ આપવાની યોજનાનો અમલ કરશે.
દેશી વહાણવટા ઉદ્યોગને પ્રોત્સાહનઃ- એક જમાનામાં ગુજરાત દેશી વહાણ બાંધવાનો ઉદ્યોગ તથા દેશી વહાણવટાનું વિશ્વમાં નામ હતું. વાસ્કો ડી ગામાનો વહાણનો માલમ કાનજી માંડવી બંદરનો વતની હતો. દેશી વહાણવટાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત રીતે બંધાતા દેશી વહાણો માટે આધુનિક પાર્ક બનાવાશે તથા આંતર દેશીય ફેરી કરતાં દેશી વહાણોને આર્થિક પ્રોત્સાહનો અપાશે.
માચ્છીમાર વિકાસ બોર્ડઃ- માચ્છીમાર પ્રવૃત્તિઓના વિકાસ અને સંકલન માટે નિષ્ણાંતો, માચ્છીમાર પ્રતિનિધિઓનું બનેલું ”માચ્છીમાર વિકાસ બોર્ડ”ની રચના કરાશે અને આ બોર્ડ માચ્છીમાર વિકાસને લગતી તમામ બાબતો સંભાળશે.