પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં
ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે
– વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
ડબલ એન્જિનની સરકારે કચ્છમાં વિકાસના કામો જેટગતિએ કર્યા છે
જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા
નારાણપર(રાવરી)ખાતે રૂા. ૧૯.૨૨ કરોડના ખર્ચે આકાર લેનારી ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની શાસનધુંરા સંભાળ્યા બાદ દેશનો વિકાસ અકલ્પનીય રીતે થઇ રહ્યો છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે. દરેક નાગરીકોની જરૂરીયાતને ધ્યાને રાખીને સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનાથી સુખાકારીમાં વધારો થયો છે. તેવું નારાણપર(રાવરી)ખાતે ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત થનારી રૂા. ૧૯.૨૨ કરોડની આ યોજના થકી ૪૧ ગામ અને ૧૨ પરાને પીવાના પાણીનો સીધો લાભ મળશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, નલ સે જલ યોજના વડાપ્રધાન દ્વારા અમલી કરાયા બાદ લોકોની પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. કચ્છમાં હાલ નર્મદાના પાણી છેવાડાના ગામડા સુધી મળી રહ્યા છે. આ યોજના સાકાર થયા બાદ આ વિસ્તારના ૪૧ ગામ, ૧૨ પરાને ફાયદો થશે. આ પ્રસંગે તેમણે નર્મદાના વધારાના પાણી કચ્છને મળતા ખેતી સમૃધ્ધ થશે તેવું જણાવતા ઉમેર્યું હતું કે, પાણી યોજના હેઠળ અગાઉ માત્ર નાગરીકોની જરૂરીયાત ગણીને આયોજન કરાતું હતું. પરંતુ હવેથી પશુઓને ૧૦૦ લીટર અને મનુષ્યને ૧૦૦ લીટર એમ જથ્થો ફાળવાશે. કચ્છમાં પશુઓની સંખ્યા વધારે હોવાથી આ માંગણી પણ પુર્ણ કરાઇ છે. તેમણે ટુંકસમયમાં રસ્તાના રીસર્ફેંસીંગ તથા નવીનીકરણનું કામ પણ હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર થકી કચ્છનો વિકાસ જેટગતિએ થયો છે. વિવિધ યોજનાઓ અમલી બની છે જેનો મહત્તમ લાભ લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. નલ સે જલ ઉપલબ્ધ થતાં ખાસ કરીને મહિલાઓને બેડામાંથી મુક્તિ મળી છે, તેવું જણાવતા તેમણે વડાપ્રધાનશ્રી કચ્છ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા હોવાથી તાજેતરમાં પીએમ કચ્છ આવ્યા ત્યારે જે રીતે લાખો કચ્છીઓએ સભામાં ઉપસ્થિત રહીને અપાર પ્રેમ આપ્યો તે બદલ તેમણે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચ હાજર રહીને વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યનું ખાસ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્ય કુંવરબેન મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય પુરબાઇ વેકરીયા, રમેશદાન ગઢવી, નારણપર (રાવરી)સરપંચ ધનબાઇ પીંડોરીયા, નારણપર(પસાયતી)ના સરપંચ રમીલાબેન માતંગ , આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, હિતેશભાઇ ખંડોલ, સુરેશભાઇ જોષી તથા પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર પકંજભાઇ નાગર, કાર્યપાલક ઇજનેર દિનેશભાઇ રામાનુજ, સુમિટોના જનરલ મેનેજર કિરણભાઇ ચાંદવાણી તથા સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.