પરિવર્તન સંકલ્પ સંમેલન”માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન.
* 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે.
* દરેક ખેડૂત ના 3 લાખ સુધી ના દેવા માફ.
* ગુજરાત ની જનતા માટે ગેસ સિલિન્ડર 500 રૂપિયે આપવામાં આવશે.
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વચન યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત
* બેરોજગાર યુવાનો ને 3000 રૂપિયાં નું બેરોજગારી ભથ્થું
* 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓનું વચન
* કોંગ્રેસનું વચન કન્યાઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક.
* સામાન્ય નાગરિક ને 300 યુનિટ વીજળી બિલ માફ કરવાનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું વચન
* સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવશે.
* પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કર્યા બાદ ભારત જોડો યાત્રાને શરુ કરતા પહેલા પુ. મહાત્મા ગાંધીના સાબરમતિ ગાંધી આશ્રમમાં તૈલચિત્રને સુતરની આંટી પહેરાવી વંદન કરી આશીર્વાદ લીધા અને હૃદયકુંજમાં પ્રાર્થના સભામાં જોડાયા.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક પરિવર્તન સંકલ્પ સંમેલનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના 52000 બુથ ના યોદ્ધાઓ ને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી આજે અહીંયા કાર્યકર્તા આવ્યા છે, સમગ્ર ગુજરાતના ગામ બુથમાંથી “બબ્બર શેર” આજે આવ્યા છે, “બબ્બર શેર” વિચારધારાની લડાઈ લડતા હોય છે, હું જાણું છું કે ૨૫ વર્ષથી તમે શું સહન કરો છે? આ લડાઈ કોઈ રાજકીય પાર્ટી ની લડાઈ નથી, કોંગ્રેસ-ભાજપની લડાઈ નથી, તમે કોની સામે લડી રહ્યા છો તે તમારે સમજવું પડશે, સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા મોદી-આર.એસ.એસ.એ બનાવી છે, સરદાર પટેલ સાહેબ હિન્દુસ્તાન અને ખેડૂતોની અવાજ હતા, એમના મોઢેથી જે નીકળતું હતું એ ગુજરાત અને ખેડૂતના હિત માટે હતું, સરદાર પટેલ સાહેબે ગુજરાતની લોકતાંત્રિક સંસ્થાઓને ઊભી કરી હતી, જેના માટે સરદાર પટેલ સાહેબ સમગ્ર જીવન લડ્યા તેને ભાજપ-આર.એસ.એસ. અપનાવી ના શક્યા, તમને પૂછવું છે આજે સરદાર પટેલ સાહેબ જીવતા હોત તો ઉદ્યોગપતિઓના દેવા માફ કરતા કે ખેડૂતો ના??
કોંગ્રેસ પાર્ટીની સરકાર જ્યાં જ્યાં છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું, સરદાર પટેલ સાહેબ જે કરતા હતા એ કોંગ્રેસ પક્ષ કરી રહ્યા છીએ, અહીંયા પણ કોંગ્રેસ સત્તામાં આવીને ખેડૂતોનું ૩ લાખ રૂપિયાનું દેવું માફ કરીશું, જે સંસ્થાઓનો પાયો સરદાર પટેલ સાહેબે નાખ્યો હતો એ બધું ભાજપે કેપ્ચર કરી લીધું છે, ડ્રગ્સ જે પોર્ટ માંથી મળે છે એ પોર્ટના માલિકો સામે કાર્યવાહી નથી થતી, મુદ્રા પોર્ટમાંથી યુવાનોને બરબાદ કરનારું ડ્રગ્સ ઝડપાય છે તો પણ કાર્યવાહી નથી થતી, જો કોઈ ગરીબ પાસેથી ડ્રગ્સ ઝડપાય તો પોલીસ બે દંડા મારીને જેલમાં પૂરી દેશે, પણ હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જ્યાંથી ઝડપાય છે એમના સામે કોઈ કાર્યવાહી નથી થતી, ઉદ્યોગપતિઓને નજીવી કિંમતે જમીન અપાય છે પણ જો ગરીબ અને આદિવાસી તેમના હકકની જમીન માંગે તો તેમને મળતી નથી, લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ પણ ગુજરાતની જનતા કશું બોલી શકતી નથી, આ ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજુરી લેવી પડે છે, ઉદ્યોગ કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ હોય છે, નાના અને લઘુ ઉદ્યોગો ગુજરાતની તાકાત છે, પણ GST અને નોટબંધી લાગુ કરીને વેપારીઓને હેરાન કર્યા, કોઈપણ નાના વેપારીઓને પૂછી લો GST અને નોટબંદીથી ફાયદો થયો? જવાબ મળશે ના… કારણ કે એનો ફાયદો ૩-૪ ઉધોગપતિઓને જ થયો છે.
શું સરદાર પટેલ સાહેબ અંગ્રેજો સામે આંદોલન કરવા માટે પરમિશન લીધી હતી ? તમે કોઈ પાર્ટી નહિ એવી વિચારધારા સામે લડી રહ્યા છો જેની સામે સરદાર પટેલ સાહેબ લડી રહ્યા છે, ૨૦૧૭ ની ચુંટણી મજબૂતાઇથી લડ્યા હતા, ગુજરાતમાં સરકાર બનતા જ કોંગ્રેસ તમામ ખેડૂતોનું દેવું માફ કરશે, સરકાર બન્યા બાદ કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે, ખેડૂતોનું વીજ બિલ માફ કરવામાં આવશે, ૩૦૦૦ અંગ્રેજી મીડિયમ સ્કૂલ બનાવવામાં આવશે, અને કન્યાઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે, બેરોજગારી અને મોંઘવારી દૂર કરવામાં આવશે,
જ્યાં સુધી ખેડૂતો નાના વેપારીઓની સરકાર નહિ બને ત્યાં સુધી રોજગાર ઉત્પન્ન નહિ થઈ શકે, ગુજરાતનો યુવાન ભટકતો રહેશે પણ નોકરી નહિ મળે, અમે પૂરું ફોકસ રોજગારી આપવામાં લગાવીશું, અને ગુજરાતના ૧૦ લાખ યુવાનોને રોજગારી આપીશું, ૨૦૧૭ ની જેમ જો આપણે લડીશું તો અહીંયા કોંગ્રેસની સરકાર બની જશે, ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી એ જ બતાવે છે કે ૫ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે, જો તમે કોંગ્રેસની વિચારધારા માટે લડશો તો હું ગેરંટી આપુ છું કે કોંગ્રેસ જીતશે.. ગુજરાતમાં દમ લગાવીને લડો અને ગુજરાતમાં તમારી અને કોંગ્રેસની સરકાર બનાવો.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે સંબોધન કરતા જણાવ્યું કે ૨૭ વર્ષના ભાજપના શાસન બાદ ધરાતલ પર જનતા દુખી છે. કોવિડ કુપ્રબંધન અને સરકારના ભ્રષ્ટાચાર સામે આવતા આખી સરકાર મુખ્યમંત્રીથી લઇ બધા જ મંત્રી બદલવા પડ્યા છે. ગત વર્ષ ચુંટણી પહેલા અમિત શાહ ૧૫૦ સીટો આવશે તેવું કહેતા પણ માત્ર ૯૯ સીટો આવી હતી. મોંઘવારી, બેરોજગારી, કોરોના જેવા દરેક વિષયો ઉપર રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનું કામ કર્યું હોય તેવું આખો દેશ માને છે.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે “શિક્ષક દિન”ની શુભકામનાઓ આપતા ૨૦૧૭ ની કસર પૂરી કરી સરકાર બનાવવાનું આહવાન બુથના કાર્યકરોને કર્યું હતું અને મારું બુથ મારું ગૌરવના નારા સાથે કોંગ્રેસના બુથ યોદ્ધાઓને બુથ ચલોની હાકલ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે સરકારના બંને એન્જીન ફેઈલ થઇ ગયા છે. ભ્રષ્ટાચારનું જુનું એન્જીન બદલી જે નવું એન્જીન લાવ્યા છે તેનો પણ દમ નીકળી ગયો હોય તેમ દેખાય છે. ભાજપનું દિલ્હીનું એન્જીન ઈ.ડી. અને સી.બી.આઈ.નો હથિયારની જેમ ઉપયોગ કરી રહી છે. રઘુ શર્માજીએ ડબલ એન્જીનની સરકાર બદલી અને ૧૨૫ થી પણ વધુ સીટ લાવવાનો સંકલ્પ લેવાની કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ૨૦૨૪ માં દેશનું સુકાન રાહુલ સંભાળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને ગુજરાત મોડલ અને દિલ્હી મોડલના ભ્રામક પ્રચારને ઓળખી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવવા કટિબદ્ધ થવાની હાકલ કરી હતી.
અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઐતિહાસિક “પરિવર્તન સંકલ્પ સંમેલન”ને કાર્યકારી પ્રમુખો લલીતભાઈ કગથરા, ઋત્વીક્ભાઈ મકવાણા, જીગ્નેશ મેવાણી, અંબરીશભાઈ ડેર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સર્વશ્રી મોહનસિંહ રાઠવા, પરેશભાઈ ધાનાણી તથા એસ.ટી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ શ્રી અનંતભાઈ પટેલ વગેરેએ સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક શૈલેશભાઈ પરમારે કર્યું હતું અને આભારવિધિ ડો. જીતુભાઈ પટેલે કરી હતી.