ઇન્ડિયા

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

Published

on

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

વોટ્સએપનો બહુ બહોળો ઉપયોગ થતો હોવાથી, તેમાં છેતરપિંડીના નીતનવા કીમિયા પણ લોકો શોધતા રહે છે. જેમ કે વોટ્સએપ સપોર્ટ સેન્ટરને નામે થતી છેતરપિંડી.

તમે કદાચ જાણતા હશો કે વોટ્સએપ એકાઉન્ટ સંબંધિત આપણને કોઈ પણ સમસ્યા હોય તો આપણે સીધો વોટ્સએપનો સંપર્ક કરી શકીએ છીએ. એ માટે વોટ્સએપ એપમાં સેટિંગ્સમાં હેલ્પ સેકશનમાં જવાનું હોય છે. અહીં ‘કોન્ટેક્ટ અસ’નો વિકલ્પ જોવા મળે છે. તેને ક્લિક કરતાં એક બોક્સ ખૂલે છે, જેમાં આપણે આપણી સમસ્યા વોટ્સએપને લખીને મોકલી શકીએ છીએ (વોટ્સએપ પેમેન્ટ સંબંધિત કોઈ તકલીફ હોય તો એ માટે પેમેન્ટ્સના હોમસ્ક્રીન પરથી સપોર્ટ માટે આગળ વધવાનું હોય છે).

આ મુજબ આપણે આપણી સમસ્યા વોટ્સએપને લખીને મોકલીએ ત્યારે ઇચ્છીએ તો આપણા ફોનના મોડેલ તથા સેટિંગ્સ સંબંધિત ટેકનિકલ વિગતો ઉમેરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ. આ પછી વોટ્સએપ આપણો વોટ્સએપ ચેટ દ્વારા વળતો સંપર્ક કરે છે.

અહીં સુધી તો બધી વાત બરાબર છે. પરંતુ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે વોટ્સએપની આ સુવિધાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવે છે. વોટ્સએપના હેલ્પ સેન્ટરનો કોન્ટેક્ટ કરવાની વિધિ સાવ સીધી સાદી છે પરંતુ ઠગ લોકો સામેથી વોટ્સએપ સપોર્ટ સેન્ટરનો દેખાવ ઊભો કરીને જુદા જુદા લોકોને રેન્ડમલી મેસેજ મોકલે છે. જે રીતે પેટીએમ જેવા વોલેટમાં કેવાયસી બાકી હોવાનું કહીને લોકોને ઠગવામાં આવે છે એ રીતે વોટ્સએપમાં આપણું એકાઉન્ટ ચાલુ રાખવા માટે અમુક વેરિફિકેશન જરૂરી છે એવું કહીને આપણી વિગતો માગવામાં આવે છે. ઘણા લોકો તેમને મળેલો આવો મેસેજ સાચો છે કે નહીં તે તપાસ્યા વિના પોતાની વિગતો આપી બેસે છે.

Advertisement

હવે સવાલ એ થાય કે આપણને મળેલો મેસેજ ખરેખર વોટ્સએપ તરફથી આવ્યો છે કે અન્ય કોઈ વ્યક્તિ કે ઠગ તરફથી તેની ખાતરી કેવી રીતે કરવી?

આનો એક સહેલો રસ્તો છે. જે રીતે ફેસબુક, ટ્વીટર વગેરેમાં જે તે એકાઉન્ટ અસલી હોવાનું દર્શાવતા વેરિફિકેશન માર્ક હોય છે એ જ રીતે વોટ્સએપમાં પણ એકાઉન્ટ જેન્યુઇન હોવાનો એક ટિક માર્ક હોય છે. આવી સગવડ માત્ર વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટને મળે છે. વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરતી કંપની અમુક વિધિ પૂરી કરીને તેમનું એકાઉન્ટ વેરિફાય કરી શકે છે અને એ પછી તેમના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં એકાઉન્ટ અસલી હોવાનું ચિહ્ન ઉમેરાય છે. આ ચિહ્ન વોટ્સએપમાં એકાઉન્ટ યૂઝરના નામ પછી જોવા મળે છે.

દેખીતું છે કે વોટ્સએપ સપોર્ટ સેન્ટરનો દેખાવ કરતા ઠગના એકાઉન્ટને આવો વેરિફિકેશન માર્ક મળે નહીં. આથી તે અન્ય કોઈ જગ્યાએ વેરિફિકેશન માર્કની ઇમેજ ઉમેરે છે. ઠગ માટે સૌથી સહેલો રસ્તો પોતાની પ્રોફાઇલ ઇમેજમાં વોટ્સએપનો લોગો ઉમેરી ત્યાં જ એકાઉન્ટ વેરિફાઇડ હોવાનું દર્શાવતો ગ્રીન બેજ મૂકી દેવાનો હોય છે. વાસ્તવમાં વોટ્સએપમાં એકાઉન્ટ વેરિફિકેશન માર્ક યૂઝર એકાઉન્ટના નામની પછી ઉમેરાય છે, એની પ્રોફાઇલ ઇમેજમાં નહીં. આથી વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે કોઈ મેસેજ આવ્યો હોય અને તેમાં જે તે બિઝનેસ એકાઉન્ટના નામની બાજુમાં વેરિફિકેશન માર્ક જોવા ન મળે પરંતુ પ્રોફાઇલમાં એવો માર્ક જોવા મળે તો તેનો અર્થ સ્પષ્ટ છે એ કોઈ ઠગનું નકલી એકાઉન્ટ છે અને એ તમને વોટ્સએપના સપોર્ટ સેન્ટરના નામે ઠગવાનું કોશિશ કરી રહ્યો છે.

આવું થાય ત્યારે એ મેસેજના જવાબરૂપે તમારી કોઈ પણ માહિતી આપશો નહીં. વધારાના એક કદમ તરીકે તમે એ યૂઝર એકાઉન્ટને શંકાસ્પદ એકાઉન્ટ તરીકે વોટ્સએપને રિપોર્ટ કરી શકો છો અને એ પછી એ એકાઉન્ટને બ્લોક કરી દેવું સારું.

સામાન્ય રીતે ઠગ લોકો વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે આપણા ક્રેડિટ કાર્ડ કે આધાર કાર્ડની વિગતો, પાન નંબર કે પછી વોટ્સએપના છ ડિજિટના પાસકોડ જેવી વિગતો માગતા હોય છે અને એમ ન કરવામાં આવે તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવી આડકતરી ધમકી આપવામાં આવતી હોય છે. વોટ્સએપ તરફથી સત્તાવાર રીતે આવી જ કોઈ માહિતી માગવામાં આવતી નથી. આથી આવા છટકામાં ફસાશો નહીં!

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version