વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં સંઘના સંસ્થાપકોને રવિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનની નાગપુર મુલાકાત પર શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે પ્રહાર કર્યા છે અને દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ લેશે.
સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન મોદીના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે અને તેનો નિર્ણય સંઘ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પણ સંઘનો નિર્ણય શિરોમાન્ય ગણાશે. સંઘ પોતાની ઈચ્છા મુજબ ભાજપનું અધ્યક્ષ પદ સોંપશે. 10 વર્ષ બાદ મોદીની નાગપુર જઈ સંઘના હેડક્વાર્ટર સાથે મુલાકાત સામાન્ય વાત નથી.
સંઘ પરિવાર દેશનું નેતૃત્વ બદલવા માગે છેઃ
તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ માટે અરજી કરવા વડાપ્રધાન RSSના હેડક્વાર્ટર ગયા હતાં. મને જાણ છે કે, છેલ્લા 10-11 વર્ષમાં મોદીજી ક્યારેય પણ ત્યાં ગયા નથી. આ વખતે તેઓ સંઘને જાણ કરવા ત્યાં ગયા હતા. મોહન ભાગવતજીને કહેવા ગયા હતા કે, તેઓ હવે ટાટા-બાય-બાય કરી રહ્યા છે. RSSની બે વાતો મને સમજમાં આવી ગઈ છે. પહેલી એ કે તેઓ દેશનું નેતૃત્વ બદલવા માગે છે. બીજું હવે મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે. અને તે દેશમાં બદલાવ લાવવા માગે છે.