અમદાવાદ
આઈએએસ અધિકારી કે. રાજેશ રજા ઉપર ઉતરી ગયા : આગોતરા જામીન માટે કરીશકે છે અરજી
આઈએએસ અધિકારી કે. રાજેશ રજા ઉપર ઉતરી ગયા : આગોતરા જામીન માટે કરીશકે છે અરજી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. સીબીઆઈ સામે હાજર થવા આઈએએસ અધિકારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતા તેઓ હાજર થયા નથી અને રજા પર ઉતરી જતાં તપાસનીસ એજન્સીના પગલા પર મીટ માંડવામાં આવી રહી છે.
આધારભૂત સુત્રોએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર મામલે તવાઈ ઉતરતાં આઈએએસ અધિકારી કે. રાજેશ રજા ઉપર ઉતરી ગયા છે. સીબીઆઈએ ત્રણ વખત સમન્સ મોકલ્યું હોવા છતાં હાજર થયા નથી. હવે તેઓને ભાગેડુ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. કાનૂની નિષ્ણાંતોએ જો કે એમ જણાવ્યું છે કે કે. રાજેશ આગોતરા જામીન અરજી કરી શકે છે. તેઓ કાનૂની માર્ગદર્શન મેળવવા લાગ્યા છે. સીબીઆઈના સુત્રોએ એમ જણાવ્યું છે કે ગુજરાતના જ એક પૂર્વ સાંસદે કે. રાજેશ લોકો પાસેથી લાંચ મેળવતા હોવા વિશે 60 જેટલી અરજીઓ કરી હતી. ખાણ કંપનીઓ પાસેથી પણ મોટી લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.
તેઓનાં એક પૂર્વ ધારાસભ્ય સાથેનાં ઘનિષ્ઠ સંબંધો પણ ધ્યાને આવ્યા છે. કે. રાજેશની સરકારી કારનો આ ધારાસભ્ય ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં ધારાસભ્યનાં પુત્રને પણ કે. રાજેશ ખાસ મદદ કરતાં હતાં. આ ઉપરાંત બારડોલી સ્થિત એક શખ્સ સાથેનાં સંબંધો પણ તપાસ હેઠળ છે. સુત્રોએ કહ્યું કે પોલીસના નેગેટીવ છતાં કે. રાજેશે જે 100 લોકોને હથિયાર લાયસન્સ આપ્યા છે તે તમામના નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત જે જમીન રેગ્યુલાઈઝ કરવામાં આવી હતી તે લોકોના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે.